સાવધાન:ધરોઇ ડેમમાંથી ગમે ત્યારે પાણી છોડવાથી નદી કિનારાના 40 ગામોને એલર્ટ રાખવા સૂચના

Spread the love

 

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હાલમાં ધરોઇ ડેમમાં પ્રતિ કલાકે 46110 ક્યુસેક પાણીની આવકથી ધરોઇ ડેમ 82 ટકા ભરાઇ ગયો છે. પાણીની આવક હાલમાં ચાલુ હોવાથી ધરોઇ ડેમના દરવાજા ખોલવા પડે તેવી શક્યતા રહેલી છે. ત્યારે સાબરમતી નદી કિનારના ગામોને એલર્ટ કરવા ધરોઇ મુખ્ય બંધ વિભાગના ઇજનેરે સાત જિલ્લા કલેક્ટરોને લેટર લખ્યો છે.
જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી કિનારાને 40 જેટલા ગામો આવેલા હોવાથી નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદનું વહેલા આગામન થતાં જુલાઇ માસમાં જ ધરોઇ ડેમ ભરાઇ જવાની કગાર ઉપર છે. તેની પાછળ ઉપરવાસમાં સતત એકાદ માસથી સારા વરસાદને પગલે પાણીની આવક ધરોઇ ડેમમાં સતત ચાલુ રહેવા પામી છે. જેને પરિણામે હાલમાં ધરોઇ ડેમ 82 ટકા જેટલો એટલે કે 617 ફૂટ ભરાઇ ગયો છે. જ્યારે ધરોઇ ડેમમાં 622 ફુટની પાણી સંગ્રહની ક્ષમતા છે.
જોકે ધરોઇ ડેમમાં રૂટ લેવલ જાળવવા માટે અમુક ટકા ડેમ ભરાય ત્યારે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડતી હોય છે. આથી ધરોઇ ડેમનું રૂટ લેવલ હાલમાં 618 ફુટ નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે એકાદ ફુટ રૂટ લેવલની પાણીનું લેવલ નીચું છે. જ્યારે તેની સામે હાલમાં પ્રતિ કલાક 4583 ક્યુસેક પાણીની આવક ધરોઇ ડેમમાં થઇ રહી છે. ત્યારે ધરોઇ ડેમમાં પાણીની આવકને જોતા આગામી સમયમાં ધરોઇ ડેમનું રૂટ લેવલ જાળવવા માટે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી શકે છે.
જો ધરોઇ ડેમમાંથી પાણી છોડવા માટે દરવાજા ખોલવા પડે તો સાબરમતી નદીમાં પાણી આવક વધવાથી નદી કિનારાના ગામોમાં તેની અસરથી શક્યતા રહેલી છે.
તેમાંય જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી કિનારાના 40 જેટલા ગામોને એટર્લ કરવાની જાણકારી ધરોઇ મુખ્ય બંધ વિભાગ-1ના કાર્યપાલક ઇજનેરે સાબરમતી નદી કિનારના ગાંધીનગર સહિત મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ખેડા, આણંદ જિલ્લા કલેક્ટરને સાબરમતી નદી કિનારના ગામોમાં જે લોકો નદી કિનારે રહેતા હોય તેમને સલામત સ્થળે ખસેડવાની જાણ કરવામાં આવી છે.
ત્યારે જિલ્લાના સાબરમતી નદી કિનારાના 40 ગામોને સલામત સ્થળે ખસેડવા માટે ગામોના તલાટીઓ, સરપંચ, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી સહિતને સુચના આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *