
ગાંધીનગરના જૂના કોબા ગામમાં રહેતા ખેડૂતની દહેગામ તાલુકાના મોટી મોરાલી ગામમાં આવેલી જમીન વેચાણ કાઢી હતી. જેથી દલાલ મારફતે એમજીવીસીએલમાં નોકરી કરતા ડેપ્યુટી એન્જિનિયરને વેચાણ આપી હતી. જમીનમાં ઉપરની રકમ રોકડથી આપવાનુ નક્કી કર્યુ હતુ, જેમાં સિક્યુરીટી પેટે ચેક આપ્યો હતો.
જ્યારે રોકડ રકમ આપવામાં નહિ આવતા 4.50 લાખનો ચેક ખાતામા જમા કરાવ્યો હતો. જે ચેક ઓછા બેલેન્સના કારણે પરત થતા કોર્ટમાં કેસ કરવામાં આવતા અધિકારીને એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
મળતી માહિતી મુજબ જૂના કોબા ગામમાં રહેતા વૃદ્ધા મંછીબેન બાબુજી ઠાકોરની દહેગામ તાલુકાના મોટી મોરાલી ગામમાં આશરે એક વિઘો જમીન આવેલી હતી.
જેને વેચાણ કરવાની હોવાથી એક દલાલ મારફતે જમીન ખરીદવા માટે મહોબતસિંહ રાયસિંહ બારૈયા (રહે, જુહાજીનો વાસ, અંબાપુર, ગાંધીનગર, હાલ રહે, બંગલા નંબર -2, રાધે ટેનામેન્ટ, શ્રી પંચતીર્થ વિદ્યાલયની બાજુમાં, નવા નરોડા, અમદાવાદ)નો સંપર્ક થયા બાદ જમીન વેચાણ કરવામાં આવી હતી.
જેમાં જમીની કેટલીક રકમ ચેકથી અને બાકીની રોકડવામાં આપવાનું નક્કી થયુ હતું અને તે બાબતે આરોપી દ્વારા એમઓયુ પણ કરવામાં આવ્યા હતા.
આશરે 4.50 લાખની રોકડ રકમ આપવા સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી, જે અવધીમાં રકમ નહિ ચૂકવતા ફરિયાદી દ્વારા ચેક બેંક ખાતામાં જમા કરાવ્યો હતો. જે ચેક ઓછા બેલેન્સના કારણે પરત ફરતા વકીલ ચેતનકુમાર. આર.ઠાકોર મારફતે ગાંધીનગર કોર્ટમાં આરોપી મહોબતસિંહ બારૈયા સામે કેસ કરવામાં આવ્યો હતો. વકીલ દ્વારા આરોપીના ઘરે નોટીસ મોકલવામાં આવી હતી.
જ્યારે કેસ ચાલતા આરોપી દ્વારા કરવામાં આવેલા એમઓયુ સહિતના દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા હતા. જેને લઇને કોર્ટ દ્વારા આરોપીને એક વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે અને જો રકમ ના ચૂકવે તો વધુ છ મહિનાની સજાનો હુકમ કરાયો છે.