
અમદાવાદમાં ઓનલાઈન છેતરપિંડીનો એક વધુ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સોશિયલ મીડિયાના માધ્યમથી TATA જોઈન ડિસ્ટ્રીબ્યુટરશીપ આપવાના બહાને એક વ્યક્તિ પાસેથી રૂપિયા 1.51 લાખની રકમ પડાવી લેવામાં આવી છે. આ અંગે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આનંદનગરમાં રહેતા વિવેક શર્માએ ફરિયાદ નોંધાવી છે કે, રોજ અજાણ્યા નંબર દ્વારા સોશિયલ મીડિયા પર TATA જોઈન ડિસ્ટ્રીબ્યુટરશીપ માટેનો મેસેજ મોકલીને સંપર્ક કરવામાં આવ્યો હતો. વિવેકભાઈએ રસ દાખવતા ડિસ્ટ્રીબ્યુટરશીપ માટે લાલચ આપી અને વિવિધ બહાને પૈસા પડાવવાનું શરૂ કર્યું. જેમાં રજીસ્ટ્રેશન ફી, KYC ફી, GST ફી અને IMPS ફી જેવી અલગ અલગ સેવાઓના નામે વિવિધ બેંક ખાતાઓમાં પૈસા જમા કરાવવા માટે કહેવામાં આવ્યું હતું.
વિવેકભાઈ શરૂઆતમાં નાની રકમ જમા કરાવ્યા બાદ વિશ્વાસ આવ્યો અને પછી તેમને ડિસ્ટ્રીબ્યુટરશીપ મળવાની આશામાં વધુ મોટી રકમ જમા કરાવતા રહ્યા. જોકે, લાંબા સમય સુધી ડિસ્ટ્રીબ્યુટરશીપ ન મળતા અને જમા કરાવેલી રકમ પરત ન મળતા, તેમને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું સમજાયું હતું. વિવેકભાઈને કુલ રૂપિયા 1,51,155નું આર્થિક નુકસાન થયું છે. આ અંગે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદના વસ્ત્રાપુરમાં થોડા દિવસ અગાઉ એક યુવકને 3 શખ્સોએ છરી મારીને રોકડ અને અન્ય વસ્તુઓ સહિત 30 હજાર રૂપિયાની કિંમતની લૂંટ કરી હતી. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે બાતમીના આધારે આરોપી વરૂણ મેઘવાલ, દરીશ કોકટે અને આદર્શ વર્માની ધરપકડ કરી છે. આરોપીઓ મૂડ રાજસ્થાન અને મહારાષ્ટ્રના વતની છે. મોજશોખ માટે જ લૂંટ કરી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.