
અમદાવાદના ચાંદખેડામાં રહેતા વેપારી સાથે બે શખ્સોએ 120 ગ્રામ સોનાની ચેઇન વેચવાના બહાને 6 લાખ રૂપિયાની ઠગાઇ કરી હતી. વેપારીએ ચેઇન જ્યારે સોનીને બતાવી તો તે નકલી હોવાની જાણ થઈ હતી. વેપારીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
120 ગ્રામ અસલી સોનાની ચેઇનના બતાવીઃ મૂળ રાજસ્થાનના ગોવારામ હાલ ચાંદખેડાના ન્યુ સીજી રોડ ખાતે રહે છે. તેઓ ડીકેબીન વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવે છે. 7 જુલાઈના રોજ ગોવારામ દુકાન પર બેઠા હતા, ત્યારે બે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને જણાવ્યું કે તેઓ પાસે 120 ગ્રામ સોનાની ચેઇન છે. ગોવારામે ખરીદવામાં રસ દર્શાવ્યો અને શખ્સોએ ગોવારામને સંપર્ક માટે પોતાનો નંબર આપી દીધો હતો. થોડા દિવસ બાદ શખ્સોએ ફોન કરીને ગોવારામને વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા પેટ્રોલપંપ પાસે બોલાવ્યા હતા.
પીળી ધાતુની એક ચેઇન આપી બદલામાં 6 લાખ લઇ લીધાઃ ગોવારામ તેમના ભાઈ સાથે ત્યાં ગયા અને શખ્સોએ તેમને પીળી ધાતુની એક ચેઇન આપી અને બદલામાં 6 લાખ લઇ લીધા. વેપારીએ બાદમાં આ ચેઇન સોનીને બતાવી તો નકલી હોવાનો ખ્યાલ આવ્યો. શખ્સોને ફરી સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં ફોન બંધ હતો. જેથી છેતરપિંડી થઈ હોવાનું જણાઇ આવતા ગોવારામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.