
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા શારદાકુંજ સોસાયટીમાં 15 દિવસ પહેલા રાખવામાં આવેલા ઘરઘાટીએ વૃદ્ધના ઘરમાં એકલતાનો લાભ લઇને રોકડ અને દાગીના સહિત 8.92 લાખની ચોરી કરી હતી. પાલડી પોલીસે આરોપી અને તેના સાથીદારને રાજસ્થાનથી ઝડપી પાડ્યા હતા.
એકલતાનો લાભ લઇ ઘરઘાટીએ ચોરી કરીઃ પાલડીના નવા વિકાસગૃહ રોડ પર આવેલી શારદાકુંજ સોસાયટીમાં રહેનાર નીકેશભાઇ શાહ 17મી જુલાઈના રોજ નોકરી પર ગયા હતા. તેમનાં પત્ની ઝરણાબેન યોગા ક્લાસમાં ગયા હતા ત્યારે ઘરમાં તેમની વૃદ્ધ માતા અને ઘરકામ માટે રાખેલો સંતોષ કીર હાજર હતો. આ સમયનો લાભ લઇને સંતોષ કીરે બેડરૂમમાં ઘૂસીને રોકડા રૂપિયા અને સોનાના દાગીનાં મળી કુલ 8.92 લાખની ચોરી કરી અને ફરાર થઈ ગયો હતો.
આરોપીને ઝડપી પાડી 6.37 લાખનો મુદ્દામાલ કબજે કર્યોઃ ચોરી અંગેની ફરિયાદ મળતાં પાલડી પોલીસે તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરતા આરોપી રાજસ્થાનના રામા ગામે છૂપાયો હોવાનું જાણવા મળ્યું હતું. ટીમે ત્યાં પહોંચી તેના સાથીદાર ભગવાન કીર સાથે બંનેની ધરપકડ કરી હતી. પોલીસે બંને પાસેથી 6.37 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.