
ગાંધીનગરમાં સૌથી મોટો ડિજિટલ અરેસ્ટ સ્કેમ: મહિલા ડોક્ટર પાસેથી 3 મહિનામાં ₹19.24 કરોડની ઠગાઈ, કંબોડિયા કનેક્શન ખુલ્યું!

ગાંધીનગરમાં એક ચોકાવનારો ડિજિટલ ફ્રોડ કેસ સામે આવ્યો છે. એક સિનિયર સિટીઝન મહિલા ડોક્ટરને 3 મહિના સુધી ‘ડિજિટલ અરેસ્ટ’માં રાખીને તેમની પાસેથી ₹19.24 કરોડ પડાવી લેવામાં આવ્યા છે. આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો ડિજિટલ અરેસ્ટ કેસ છે. ઠગોએ ખોટા પોલીસ અને સરકારી અધિકારીઓ બનીને, વિડિયો કૉલ્સ અને બનાવટી પત્રો દ્વારા મહિલાને ધમકાવી હતી.
FEMA અને PMLA કાયદા હેઠળ ગુના દાખલ કરવાની ધમકી આપીને તેમની પાસેથી ઘરેણાં, શેર, અને FD જેવી તમામ સંપત્તિ વેચાવીને 35 અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાં પૈસા જમા કરાવવામાં આવ્યા હતા. આ કેસમાં એક આરોપી લાલજીભાઈ બલદાણિયાની ધરપકડ કરવામાં આવી છે, અને ફ્રોડનું કનેક્શન કંબોડિયાના કોલ સેન્ટરો સાથે હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ડિજિટલ અરેસ્ટ અને ઠગાઈનો સિલસિલો
આ કૌભાંડ માર્ચ 2025 માં શરૂ થયું, જ્યારે મહિલા ડોકટરને ટેલિકમ્યુનિકેશન વિભાગમાંથી આવેલા કૉલથી ધમકાવવામાં આવ્યા કે તેમના ફોનમાંથી અપમાનજનક મેસેજ પોસ્ટ થઈ રહ્યા છે અને તેમની સામે FIR તથા મની લોન્ડરિંગનો ગુનો દાખલ થશે તેમને FEMA અને PMLA કાયદા હેઠળ ગુના લાગવાની ધમકીઓ સાથે બનાવટી પત્રો પણ મોકલવામાં આવ્યા. ઠગોએ મહિલા પર સતત નજર રાખવાનું નાટક કર્યું. સિવિલ ડ્રેસમાં પોલીસકર્મીઓ ઘરની આસપાસ ફરતા હોવાનું કહીને તેમને ડરાવ્યા. તેમને માનસિક રીતે એટલા દબાણમાં લાવી દેવાયા કે તેઓ જ્યાં પણ જતા, ત્યાંથી વિડિયો કૉલ કરીને પોતાની “હાજરી પુરાવતા અને લોકેશન અપડેટ કરતા હતા. આ ઠગ ટોળકીએ મહિલા પાસેથી તેમની પ્રોપર્ટી, સોનું, FD, શેર અને રોકડની તમામ વિગતો મેળવી લીધી. ધીમે ધીમે, તેમને ઘરમાં પડેલું સોનું વેચાવી, લોકરમાં રહેલા સોના પર લોન લેવડાવી, FD તોડાવી, અને શેર વેચાવીને પૈસા ઉભા કરવા મજબૂર કર્યા. આ બધામાંથી મળેલા પૈસા 35 અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાં જમા કરાવી દીધા. કુલ ₹19.24 કરોડ જમા થયા પછી, ઠગોએ પૈસા સરકારી એકાઉન્ટમાં જમા થઈને ફ્રીઝ થઈ ગયા હોવાનું કહીને પાછા નહીં મળે તેમ જણાવ્યું. આ પછી, ઠગોના વિડિયો કૉલ્સ અને ફોન આવવાના બંધ થઈ ગયા.

પોલીસ કાર્યવાહી અને કંબોડિયા કનેક્શન
મહિલાને શંકા ગઈ અને તેમણે પરિવારજનોને વાત કરતા આ સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું. ગાંધીનગરના સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટે જુલાઈ 16 ના રોજ ડિજિટલ અરેસ્ટનો ગુનો નોંધ્યો છે. આ કેસમાં અલગ અલગ ઓફિસર બનીને ધમકાવતા 5 શખસો અને 35 બેંક એકાઉન્ટ ધારકો સામે ગુનો નોંધાયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ કૌભાંડનું કનેક્શન કંબોડિયાની ગેંગ અને ભારતના જ એક રાજ્યમાં રહેલી ગેંગ સાથે જોડાયેલું છે. CID ક્રાઈમ માની રહી છે કે આટલી મોટી રકમ કોઈ એક વ્યક્તિ પાસેથી પડાવી લીધાનો આ ભારતનો પ્રથમ કેસ છે, અને 3 મહિના સુધી મહિલાને ડિજિટલ અરેસ્ટમાં રાખવાનો પણ આ સૌથી લાંબો કેસ છે. આ કેસમાં સુરતથી લાલજીભાઈ જયંતિભાઈ બલદાણિયા નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેના ખાતામાં ₹1 કરોડ ટ્રાન્સફર થયા હતા. આ ઘટનાએ દર્શાવ્યું છે કે ગાંધીનગરમાં ડિજિટલ ફ્રોડ અવેરનેસના પ્રયાસો પૂરતા અસરકારક રહ્યા નથી. ગૃહ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા ડિજિટલ અરેસ્ટ કેવી રીતે થાય છે તે સમજાવતા અનેક વિડિયો બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ કેસમાં ઠગોએ FEMA અને PMLA ના નામે ડરાવીને પૈસા પડાવ્યા, જે દવિ છે કે નવી યુક્તિઓ
સામે જાગૃતિ વધારવી અનિવાર્ય છે.

કંબોડિયા: કોલ સેન્ટરનું એપિસેન્ટર
કંબોડિયાની ગેંગો દ્વારા ભારતીયોને છેતરવાના અનેક કિસ્સાઓ અગાઉ પણ પ્રકાશમાં આવ્યા છે. પોલીસ માની રહી છે કે કંબોડિયા સહિત આસપાસના કેટલાક દેશો ભારતીયોને છેતરવા માટેના મોટા કોલ સેન્ટરોના એપિસેન્ટર બની ગયા છે. જ્યાં 5,000 થી વધુ કોલ સેન્ટરો ધમધમી રહ્યા છે. જોકે, હજુ સુધી કંબોડિયાથી કોઈ મોટી ગેંગને પકડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી નથી. આ કેસ ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ માટે એક મોટો પડકાર છે. કારણ કે આ ઘટનાએ ડિજિટલ ફ્રોડ સામેની લડાઈમાં નવી ગંભીરતા ઉમેરી છે.
