
એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. મૂળ જમ્મુ કાશ્મીરના 150 વિદ્યાર્થીઓએ ACPC દ્વારા ગુજરાતની એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે. આ વિદ્યાર્થીઓ આજે(29 જુલાઈ) ડોક્યુમેન્ટ ચકાસણી માટે ACPC આવ્યા હતા. વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જમ્મુ કાશ્મીરની વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે ત્યાં કરતા ગુજરાત વધુ સલામત છે જેથી ગુજરાતમાં એડમિશન લીધું છે.
છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતની એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજોમાં દરેક કોલેજ દીઠ બે બેઠક જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ માટે રિઝર્વ રાખવામાં આવે છે. આ વર્ષે એન્જિનિયરિંગમાં 120 જ્યારે ફાર્મસીમાં 30 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.આ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યા બાદ આજે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ACPC ખાતે આવ્યા હતા. ACPC ખાતે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ વેરીફાઇ કરીને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓ સાથે જમ્મુ કાશ્મીરના કેટલાક સંગઠનના લોકો પણ આવ્યા હતા.જેઓ વિદ્યાર્થીઓની મદદ માટે આવ્યા હતા.
એડમિશન માટે આવેલી જમ્મુ કાશ્મીરની વિદ્યાર્થિનીઓએ ગુજરાતને જમ્મુ કાશ્મીર કરતા વધારે સલામત ગણાવ્યું છે. વાલીઓએ પણ કહ્યું હતું કે અમારા બાળકો ધોરણ 12 સુધી જમ્મુ કાશ્મીરમાં ભણ્યા છે પરંતુ હવે સારા અભ્યાસ માટે અમે બાળકોને ગુજરાત મોકલી રહ્યા છીએ. વર્ષો પહેલા પરિસ્થિતિ ખરાબ થતા અમે બધું છોડ્યું પણ અભ્યાસ છોડ્યો નથી.
સીમરન નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે મારું ARCB કોલેજમાં એડમિશન થયું છે.અત્યાર સુધી હું જમ્મુ કાશ્મીરમાં ભણતી હતી.ગુજરાત સૌથી સલામત છે અને ગુજરાતમાં ફાર્મસીનો સારો સ્કોપ છે.એજ્યુકેશન સિસ્ટમ પણ બહુ જ સારી છે.જમ્મુ કાશ્મીરમાં ફાર્મસીની એટલી કોલેજ નથી.પરંતુ ગુજરાતમાં સારી કોલેજ છે.માઇગ્રન્ટ લોકો માટે પણ અલગથી સીટ ફાળવવામાં આવે છે. ગુજરાતમાં મોડી રાત્રે પણ બહાર ફરી શકાય છે.જમ્મુ કાશ્મીરમાં તે શક્ય નથી તેથી ગુજરાતને પસંદ કર્યું છે.
ભૂમિ ભટ્ટ નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી હું જમ્મુ કાશ્મીરમાં ભણી હતી. હવે ફાર્મસીના અભ્યાસ માટે ગુજરાત આવી છું. ગુજરાત અમે ફરવા આવ્યા ત્યારે ગુજરાત બહુ જ સલામત લાગ્યું હતું. અહીંયાની સંસ્કૃતિ પણ બહુ સારી છે.અહીંની કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસ સારો થાય છે.અહીંયાથી પ્લેસમેન્ટ પણ સારું મળે છે. જમ્મુ કાશ્મીરની કોલેજ યુનિવર્સિટી સારી છે.પરંતુ ગુજરાતની એજ્યુકેશન સિસ્ટમ જમ્મુ કશ્મીર કરતા સારી છે એટલે અહીંયા એડમિશન લીધું છે.
ગીતિકા રૈના નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે મેં બી કે મોદી રાજકોટમાં એડમિશન લીધું છે.ગુજરાત મહિલાઓ માટે સલામત છે.જમ્મુ કાશ્મીર કરતા ગુજરાતમાં કોલેજ યુનિવર્સિટી વધારે છે એટલે અહીંયા અભ્યાસ માટે આવી છું.
જમ્મુ કાશ્મીરના પૂર્વ જનરલ સેક્રેટરી ભરત બમરુએ જણાવ્યું હતું કે દર વર્ષે જમ્મુ કાશ્મીરથી અનેક બાળકો અહીંયા અભ્યાસ માટે આવે છે.સરકાર દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે.ગુજરાતની એજ્યુકેશન સિસ્ટમ ખૂબ સારી છે.અહીંયા સરકારી કોલેજોમાં દીકરીઓ માટે કોઈ ફી લેવામાં આવતી નથી.