
અમદાવાદના વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2024માં બે સગીરાઓના માથામાં જીવલેણ ઇજા પહોંચાડી લૂંટ ચલાવવાના મામલે આરોપી તુષાર કોષ્ટીની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે નામંજૂર કરી છે. આરોપીના ક્રૂર કૃત્યને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે જામીન આપવાનો ઇનકાર કરતા, આરોપીએ પોતાની અરજી પરત ખેંચી લીધી હતી. આ હુમલામાં ગંભીર ઇજાગ્રસ્ત થયેલી બંને સગીરાઓને 50 દિવસ સુધી ICUમાં સારવાર લેવી પડી હતી.
ગત ઓક્ટોબર મહિનામાં ઘોડાસરમાં રહેતા વેપારી અભિ કુમાર સિદ્ધપરાએ વટવા પોલીસ મથકે આરોપી તુષાર ભોલેનાથ કોષ્ટી સામે IPCની કલમ 311 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135(1) મુજબ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, આરોપી તુષાર કોષ્ટી ફરિયાદીના ઘરે કામ કરતો હતો. જ્યારે તેને દારૂ પીતો પકડવામાં આવ્યો ત્યારે ફરિયાદીએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. તુષારે અભિ કુમાર સિદ્ધપરાની બે માસૂમ સગીર દીકરીઓ પર દયાહીન થઈને જીવલેણ હુમલો કર્યો હતો. તેણે લોખંડની પાઇપ વડે બંને સગીરાઓના માથા ઉપર ફટકા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. હુમલા બાદ આરોપી ઘરમાંથી 1.76 લાખની રોકડ અને ATM કાર્ડ લઈને ફરાર થઈ ગયો હતો.
આ જીવલેણ હુમલાના પગલે બંને સગીર દીકરીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. માથામાં ગંભીર ઇજા થવાને કારણે તેમને 50 દિવસ સુધી ICUમાં રાખવામાં આવી હતી અને તેમની ખોપરીની સર્જરી પણ કરવી પડી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી તુષાર કોષ્ટીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો. જેલમાંથી તેણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જેમાં તપાસ પૂર્ણ થઈ ગઈ હોવા અને ચાર્જશીટ ફાઈલ થઈ ચૂકી હોવાથી જામીન માંગવામાં આવ્યા હતા. જોકે, હાઈકોર્ટે આરોપીના આ ક્રૂર કૃત્યને ગંભીરતાથી લઈ જામીન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરતા, આરોપીએ પોતાની અરજી પરત ખેંચી લીધી હતી. આ કેસમાં કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે.