
અમદાવાદ જિલ્લામાંથી અવારનવાર મુન્નાભાઇ એમબીબીએસ ઝડપાતા રહે છે. ત્યારે સાણંદ જીઆઇડીસી નજીક આવેલા શીયાવાડા ગામમાં અને બાવળા તાલુકાના શિયાળ ગામમાં એસઓજીની ટીમે રેડ કરીને બે ડોગસ ડોક્ટરને ઝડપી પાડ્યાં છે. પશ્ચિમ બંગાળના 10 પાસ બન્ને શખસ ડિગ્રી વગર જ પતરાની દુકાનમાં ક્લિનિક ચલાવી રહ્યાં હતા. પોલીસે આરોપીઓ પાસેથી એલોપેથિક દવાઓ તેમજ મેડિકલ સાધનો જપ્ત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
અમદાવાદ ગ્રામ્યની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી ટીમના પીઆઇ એસ.એન. રામાણી અને તેમની ટીમને બાતમી મળી હતી કે, સાણંદ જીઆઇડીસી નજીક આવેલા શીયાવાડા ગામની ચોકડી પર એક પતરાની દુકાનમાં ગેરકાયદે દવાખાનુ ચાલી રહ્યુ છે. દવાખાનુ ચલાવતા વ્યક્તિ પાસે ડોક્ટર હોવાની કોઇ ડિગ્રી નથી અને તે ધોરણ 10 પાસ છે. બાતમીના આધારે એસઓજીની ટીમ તાત્કાલીક શીયાવાડા ગામે પહોચી ગઇ હતી, જ્યાં એક પતરાની દુકાનમાં ડોક્ટર દર્દીઓની તપાસ કરી રહ્યો હતો. એસઓજીની ટીમે દવાખનામાં જઇને આરોપીનું નામ પૂછતા પોતાનુ નામ અમીક ખોકમ બીસ્વાસ બતાવ્યુ હતું. અમીત બીસ્વાસ મુળ પશ્વિમ બંગાળના બેલગારીયાનો રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી સાણંદ તાલુકાના શીયાવાડા ગામે પોતાના પરિવાર સાથે રહે છે.
એસઓજીની ટીમ રેડ કરવા માટે ગઇ ત્યારે અમદાવાદ જિલ્લાના ઝોલાપુર ખાતે આવેલા આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સાથે રાખીને દરોડા પાડ્યા હતા. અમીતના દવાખાનેથી પોલીસે જુદી-જુદી કંપનીની એલોપેથિક દવાઓ, મેડિકલના સાધનો સહિત કુલ 13 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમીત રીતસરનો ડોક્ટર હોય તેવી રીતે દવાખાનુ ચલાવતો હતો. દર્દીઓને ગ્લુકોઝની બોટલ ચઢાવવાથી લઇને ઇન્જેક્શન આપવાનું કામ પણ અમીત કરતો હતો. અમીત બીસ્વાસની એસઓજીએ ધરપકડ કરીને સાણંદ જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
આ સિવાય એસઓજીને વધુ એક બાતમી મળી હતી કે, બાવળા તાલુકાના શિયાળ ગામમાં હિંમત પઢારની દુકાનમાં બોર્ડ વગર ડોક્ટરનું ક્લિનીક ચાલી રહ્યુ છે. બાતમીના આધારે એસઓજીની ટીમ મેડિકલ ઓફિસર સાથે શિયાળ ગામમાં આવેલી હિંમત પઢારની દુકાનમાં પહોચી ગયા હતા. દુકાનમાં ડોક્ટરી ક્લિનિકનું કોઇ બોર્ડ લગાવેલુ હતું નહીં, પરંતુ અંદર એક વ્યક્તિ લોકોની સારવાર કરી રહ્યો હતો. પોલીસે આ વ્યક્તિની અટકાયત કરી હતી અને તેમનું નામ પૂછ્યુ હતું.
આ બની બેઠેલા ડોક્ટરે પોતાનું નામ બાસુદેવ હરીદાસ વિશ્વાસ અને તે શીયાળ ગામમાં ટીડાભાઈ પઢારના મકાનમાં ભાડેથી રહેતો હોવાનું જણાવ્યું હતું. બાસુદેવ મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે અને ઘણા સમયથી શીયાળ ગામમાં ક્લિનિક ચલાવતો હતો. બાસુદેવ વિશ્વાસે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. પોલીસે ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ તેમજ મેડિકલ સાધનો સહિત કુલ 21 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસઓજીએ નકલી ડોક્ટર વિરૂદ્ધ બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
અમદાવાદ જિલ્લામાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. સાણંદ જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલો અમીત અને બગોદરા પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલો બાસુદેવ પશ્ચિમ બંગાળના રહેવાસી છે. બન્ને ડોક્ટરો 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ અમદાવાદમાં આવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા લાગ્યા હતા.