
3 લાખ રૂપિયામાં ટાટા કન્ઝયુમર પ્રોડકટના અમદાવાદ જિલ્લાના સુપર સ્ટોકિસ્ટ તરીકે કામ અપાવવાનું કહીને મહિલાએ વેપારી પાસેથી રૂ.1.51 લાખ પડાવી લીધા હતા. સોશિયલ મીડિયા પર ‘ટાટા જોઈન અસ ડિસ્ટ્રીબ્યુટર’ લખેલી જાહેરાત વાંચીને વેપારીએ ઈચ્છા દર્શાવી હતી. જેથી 3 લાખમાં સુપર સ્ટોકિસ્ટ બનાવવાનું કહીને 50 ટકા એડવાન્સ પેટે રૂ.1.51 લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ મહિલાએ ફોન સ્વીચ ઓફ કરી દેતા શંકા જતા વેપારીએ ફરિયાદ નોંધાવી હતી.
આનંદનગરના વિવેક શર્મા ઓન લાઈન વેબ સાઈટ પર સ્ટીલની બોટલો વેચે છે. 18 જૂને રાતે તેઓ સોશિયલ મીડિયા જોતા હતા. તેમાં તેમણે ‘ટાટા જોઈન અસ ડિસ્ટ્રીબ્યુટર’ લખેલી જાહારેતા જોઈ હતી. જેમાં પાણીની બોટલ, ફ્રુટ જ્યુશ અને એનર્જી ડ્રિંક્સની ડિસ્ટ્રીબ્યુટર થવાની જાહેરાત હતી. જેમાં વધુ જાણકારી માટે જાહેરાતમાં દર્શાવેલા નંબર ઉપર ફોન કરવા જણાવ્યું હતુ. આ સાથે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી લીંક ઉપર મોકલી આપવા જણાવ્યું હતુ.
વેપારીએ ઈમેલ અને મોબાઈલ નંબર મોકલી આપ્યો હતો. ત્યારબાદ તેમના ઉપર ટાટા કન્ઝયુમર પ્રોડકટ લિમિટેડ તરફથી મેસેજ આવવા લાગ્યા હતા. જેમાં ટાટા કન્ઝયુમર પ્રોડકટ લિમિટેડ કંપનીની જુદી જુદી પ્રોડકટના ડિસ્ટ્રીબ્યુટર તરીકે કામ કરવુ હોય તો નામ, પીનકોડ, શહેરનું નામ, ડિસ્ટ્રીબ્યુટર તરીકેનો અનુભવ સહિતની વિગતો મંગાવી હતી. આસ્થા જૈન નામની મહિલાએ વેપારીને ફોન કર્યો હતો અને પોતાની ઓળખાણ ટાટા કન્ઝયુમરના મેનેજર તરીકે ઓળખ આપી અમદાવાદ જિલ્લામાં સુપર સ્ટોકિસ્ટ બનાવવાનું કહી છેતરપિંડી કરી હતી.