ગીર’ ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા ‘આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ–૨૦૨૫’ની ઉજવણી કરાઈ

Spread the love

ગાંધીનગર

વાઘ એ પ્રકૃતિનું ચૈતન્ય સર્જન છે, જે આહાર શ્રૂંખલા અને પર્યાવરણની સમતુલાનું એક અભિન્ન અંગ છે. આથી જ વાઘને ઘણી સંસ્કૃતિઓમાં એક મહત્વપૂર્ણ પ્રતિક તરીકે પસંદ કરવામાં આવ્યો છે. વાઘના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા, વાઘના કુદરતી રહેઠાણને સંરક્ષિત કરવા દર વર્ષે ૨૯ જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ મનાવવામાં આવે છે. જેના ભાગરૂપે વન વિભાગ અંતર્ગત ‘ગીર’ ફાઉન્ડેશન, ગાંધીનગર ખાતે ‘આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ–૨૦૨૫’ની ઉજવણી કરવામાં આવી હતી. ગીર’ ફાઉન્ડેશનના નિયામક શ્રી આરાધના શાહુના માર્ગદર્શનમાં વાઘ સંરક્ષણના ઉદ્દેશને સાર્થક કરવા આ દિવસે ગાંધીનગર ખાતે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં “Feel the Roar, Heal the Fear” વાઘ અંગેની સામાન્ય સમજ મળી રહે તે માટે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અખંડાનંદ આયુર્વેદ કોલેજ, અમદાવાદના વિદ્યાર્થીઓ સાથે વાઘના પારિસ્થિતિકીય તંત્રમાં મહત્વની ભૂમિકા અને વાઘના સંરક્ષણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને વિડિયો પ્રેઝન્ટેશનના માધ્યમથી વાઘ અંગે માહિતી આપવામાં આવી હતી. સાથેસાથે બિડાલ કુળના સૌથી મોટા અને કુદરતી વિરાસત એવા વાઘનું સંરક્ષણ-જતન કરવા ઉપસ્થિત સૌને અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનના વાઘ “બાંધવ” અને “બાંધવી”ને માટે ખાસ ફૂડ એનરીચમેન્ટ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *