
ગાંધીનગર શહેરમાં સરકારી નોકરીની તૈયારી કરવા આવેલી દાહોદની યુવતી રહેવા મકાનની શોધખોળ કરતી હતી. તે સમયે દાહોદનો જ અને મકાનની દલાલી કરતા યુવક સાથે પરિચય થયો હતો. બાદ પરિચય લાંબો ચાલતા પ્રેમમાં પરિણમ્યો હતો અને લગ્નના કોલ આપી દીધા હતા. પરંતુ સમયજતા યુવક સરકારી નોકરીમાં જોડાયો અને યુવતી પણ સરકારી નોકરીમાં જોડાઇ હતી. પરંતુ યુવકના સંપર્કમાં અન્ય યુવતી આવતા પહેલી યુવતીને તરછોડી દીધી હતી અને મને તુ ગમતી નથી કહી સંબંધ તોડી નાખ્યો હતો. જેથી યુવતીએ સેક્ટર 7 પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં રહેતી અને મૂળ, દાહોદની 40 વર્ષીય કાયદા નિષ્ણાત મહિલા પ્રોફેસરે ફરિયાદ નોંધાવી છેકે, આજથી 7 વર્ષ પહેલાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરવા ગાંધીનગર આવી હતી. તે સમયે કોઈ ઓળખતું નહિ હોવાથી સેક્ટર 12 ખાતે આવેલા મંદિર ખાતે રહેવાની સગવડ થઈ ગઇ હતી. તે સમયે ત્યા સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો અને સાઇડમાં મકાનની દલાલી કરતા મૂળ દાહોદનો સુરેશ ધૂળાભાઈ સાથે માર્ચ 2018માં ઓળખાણ થઇ હતી.જેથી યુવતીએ પોતાના માટે મકાન ભાડે અપાવવા માટે વાત કરતાં સુરેશે વાવોલમાં મકાન બતાવ્યું હતું. બાદમાં એક જ જિલ્લાના હોવાથી બન્ને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઇ હતી અને સમય જતાં મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. બન્ને જણા લિવ-ઇન-રિલેશનશિપમાં શહેરનાં અલગ અલગ સ્થળોએ મકાન ભાડે રાખીને રહેતાં હતાં. તે સમયે સુરેશ પરિણીત અને બે સંતાનોનો પિતા હોવા છતાં વાત છુપાવી સંબંધો કેળવ્યા હતા અને બંનેએ શારીરિક સંબંધો બાંધ્યા હતા.
યુવતીને તેની સાથે રહેતો યુવક પરિણીત અને બે બાળકોનો પિતા હોવાની જાણ થઇ હતી. જેથી તેને સુરેશ સાથે વાત કરતા તેને કહ્યું હતું કે, તે માનસિક બીમાર છે અને મારે તેની સાથે છુટાછેડા લેવાના છે અને તારી સાથે લગ્ન કરવાના છે. બાદમાં સુરેશ તેની પત્નીને સારવાર અર્થે ગાંધીનગર લાવ્યો હતો અને ત્રણેય જણા એક જ મકાનમા સાથે રહેતા હતા. તે સમયે યુવતી સુરેશની પત્નીને દવાખાને લઇ જતી સાર સંભાળ પણ રાખતી હતી. બીજી તરફ યુવતીની માતા પણ કિડનીની સારવાર અર્થે અહીં રહેવા માટે આવ્યાં હતાં. તમામ લોકો એક સાથે રહેતા હતા.
ગત વર્ષે સુરેશને ફાયરનો કોર્સ કર્યો હોવાથી પોરબંદર ફાયર બિગ્રેડમાં નોકરી મળી ગઇ હતી. જેથી સુરેશ પોરબંદર રહેવા જતો રહ્યો હતો. થોડા સમય પછી સુરેશના વર્તનમાં બદલાવ આવી ગયો હતો, જેથી યુવતીએ તપાસ કરતાં સુરેશ અન્ય યુવતી સાથે પ્રેમાલાપ કરતો હોવાનું જાણતા તેના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. સુરેશે ત્રીજી સ્ત્રીના ચક્કરમાં 7 વર્ષના લિવ-ઈન-રિલેશનશિપનો અંત લાવી દીધો હતો. આખરે યુવતીએ પોરબંદર ફાયરબ્રિગેડમાં નોકરી કરતા સુરેશ વિરુધ ફરિયાદ નોંધાવી છે.