
ગાંધીનગર શહેરમાં વિવિધ 5 જેટલા મેટ્રો સ્ટેશન પાસે કામગીરી કરવાની હોવાથી અલગ અલગ તારીખોએ વાહન વ્યવહાર સિંગલ લેનમાં કરવા માટે ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવશે. આ માટે કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પડાયું છે સાથે ટ્રાફિક નિયમનની પૂરતી વ્યવસ્થા કરવા પણ સૂચના અપાઈ છે. મેટ્રો રેલ કંપની દ્વારા વિવિધ રેલવે સ્ટેશનોની નીચે બેરિકેડિંગ કરીને ક્રેન રાખી કામગીરી કરાશે. જેથી અહીંથી પસાર થતો ટ્રાફિક બંને લેન એકતરફના માર્ગ પરથી પસાર કરવામાં આવનાર છે. જે મુજબ 5મી ઓગસ્ટના રોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી જૂના સચિવાલય મેટ્રો સ્ટેશન- ચ-5 ખાતે રસ્તો એકતરફી કરાશે. તપોવન મેટ્રો સ્ટેશન ખાતે 6ઠ્ઠીએ રાત્રે 8 વાગ્યાથી 8મીની સવારે 6 વાગ્યા સુધી ટ્રાફિક સિંગલ લેન કરાશે.
કોબા મેટ્રો સ્ટેશન ખાતે 7મીની રાત્રે 8 વાગ્યાથી 8મીની સવારે 6 વાગ્યા સુધી સિંગલ લેનમાં ટ્રાફિક ડાયવર્ટ કરાશે. સેક્ટર-10એ મેટ્રો સ્ટેશન ખાતે 9મીની રાત્રે 8 વાગ્યાથી 10મીની સવારે 6 વાગ્યા સુધી ટ્રાફિક ડાયવર્ટ કરાશે. સેક્ટર-1 મેટ્રો સ્ટેશન ચ-2 ખાતે 10મીની રાત્રે 8 વાગ્યાથી 11મીને સવારે 6 વાગ્યા સુધી સિંગલ લેનમાં ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે.