
જિલ્લાની પગારકેન્દ્ર પ્રાથમિક શાળાઓમાં વહિવટી તેમજ શૈક્ષણિક કામગીરીનું ભારણ રહેતું હોય છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે પગારકેન્દ્ર પ્રાથમિક શાળાઓમાં સાથી સહાયકની ભરતી કરવાનો આદેશ કરાયો છે. જોકે જિલ્લા કલેક્ટર દ્વારા માન્ય એજન્સીના મારફતે સાથી સહાયકોની ભરતી જિલ્લાની 51 પગારકેન્દ્ર પ્રાથમિક શાળાઓમાં ભરતી કરાશે. સાથી સહાયકની ભરતીથી પગારકેન્દ્ર પ્રાથમિક શાળાઓના આચાર્યોની કામગીરીના ભારણથી રાહત મળશે.
પ્રાથમિક શાળાઓના પગાર કરવાની સાથે વહિવટી કામગીરીની દેખરેખ માટે 8થી 12 શાળાએ એક પગારકેન્દ્ર શાળા બનાવવામાં આવી છે. આથી શાળાઓ પોતાની વહિવટી અને શૈક્ષણિક માહિતી પગારકેન્દ્ર પ્રાથમિક શાળામાં મોકલાયે છે. બાદ પગારકેન્દ્ર શાળામાંથી વહિવટી અને શૈક્ષણિક માહિતી તાલુકાકક્ષાએ અને તાલુકાકક્ષાથી જિલ્લાકક્ષાએ ઓનલાઇન મોકલવામાં આવે છે. ત્યારે પગારકેન્દ્ર સરકારી પ્રાથમિક શાળાના આચાર્યની પાસે કામગીરીનું ભારણ વધી જતું હોવાથી બાળકોને શૈક્ષણિક કામગીરી કરાવી શકતા નહી હોવાની સ્થિતિ ઉભી થતી હતી.
ત્યારે આવી પરિસ્થિતિના નિવારણ માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પગારકેન્દ્ર પ્રાથમિક શાળાઓમાં સાથી સહાયકની ભરતી આઉટસોર્સિંગ પદ્ધતિથી કરવાનો આદેશ કર્યો છે. સાથી સહાયકની લાયકાતમાં સ્નાતક, બીએડ તેમજ કોમ્પ્યુટરની શૈક્ષણિક લાયકાત માન્ય રાખવામાં આવી છે. સાથી સહાયકની ભરતી જિલ્લા કલેક્ટર દ્વારા માન્ય એજન્સીના મારફતે માસિક ફિક્સ પગારે ભરતી કરવાની રહેશે.