
ગાંધીનગરના કોલવડા ખાતેની આયુર્વેદિક કોલેજ કેમ્પસમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. અમદાવાદની અખંડાનંદ આયુર્વેદિક કૉલેજમાં BAMS બીજા વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થિનીએ પરીક્ષાના તણાવમાં આવીને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
યુવતીને એક વિષયમાં ATKT આવી હતીઃ હિંમતનગરની રહેવાસી અને BAMS બીજા વર્ષની વિદ્યાર્થિની હતી. તેને ATKT આવી હતી અને પરીક્ષા આપવા માટે કોલવડા કેમ્પસમાં રહેતી હતી. અખંડાનંદ કોલેજનું નવું કેમ્પસ અમદાવાદના નારોલમાં નિર્માણાધિન હોવાથી વિદ્યાર્થીઓને કોલવડાની આયુર્વેદિક કોલેજના કેમ્પસમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
સળિયે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધીઃ
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવતીએ ATKTના એક વિષયની પરીક્ષા આપી દીધી હતી અને બીજું પેપર આપવાનું બાકી હતું. પરીક્ષાના તણાવમાં તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. તે દરમિયાન યુવતીએ રૂમની લોખંડની બારીની ગ્રિલના પ્રથમ સળિયે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્ટાફ તુરંત કોલેજ કેમ્પસ પર પહોંચ્યો હતો અને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળ્યા મુજબ, ઘટના પહેલાં યુવતીએ તેના પિતા સાથે ફોન પર વાત કરી હતી. ત્યારબાદ તે ફોન રિસીવ કરતી ન હતી, જેથી પરિવારજનોને ચિંતા થઈ હતી.
યુવતી પરીક્ષાના ટેન્શનમાં હોવાનું જાણવા મળ્યુંઃ આ અંગે હેડ કોન્સ્ટેબલ રણછોડભાઈએ જણાવ્યું કે , યુવતીના રૂમની તલાસી લેવામાં આવી હતી. કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી. પરિવારજનો તેમજ વિદ્યાર્થીઓને જણાવ્યા અનુસાર યુવતી પરીક્ષાના ટેન્શનમાં હોવાનું જાણવા મળ્યું છે.