
બોપલમાં જમીન ધીમે ધીમે નીચે ઉતરી રહી છે તેનાો ખુલાસો એક નવા સેટેલાઈટ આધારિત સ્ટડીમાં થયો છે કે, અમદાવાદના કેટલાક ભાગો, ખાસ કરીને બોપલમાં દક્ષિણપશ્ચિમ અને વટવામાં દક્ષિણપૂર્વના ભાગોમાં જમીન ધીમે ધીમે નીચે ઉતરી રહી હોવાનું જણાવાયું છે. આ એક એવી ઘટના છે જ્યાં ભૂગર્ભમાં થઈ રહેલા ફેરફારોને લીધે જમીન ઊંડે ઉતરી રહી છે.
આ સ્ટડીમાં 2020 અને 2023 વચ્ચેના સમયગાળા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે, જે લગભગ 3.5 વર્ષ જેટલો સમય થાય છે. રિસર્ચર્સનું કહેવું છે કે, શહેરના બે મહત્વના ઝોન દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણપૂર્વમાં એવરેજ લાઈન ઓફ-સાઈટ (કઘજ) લેન્ડ સબસિડન્સની અલગ પેટર્ન છે.
દક્ષિણપશ્ચિમમાં જમીન નીચે જવાનો સરેરાશ દર 1.5 સેમી/વર્ષથી 3 સેમી/વર્ષ સુધીનો હતો, જ્યારે દક્ષિણપૂર્વમાં તે દર 2.0 સેમી/વર્ષથી 3.5 સેમી/વર્ષ સુધીનો હતો. ચિંતાજનક રીતે અભ્યાસમાં આ સમયગાળા દરમિયાન બોપલ અને વટવામાં મહત્તમ 35 મીમી/વર્ષ (3.5 સેમી/વર્ષ) સુધીનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો.
’મેપિંગ લેન્ડ સબસિડન્સ ઈન અમદાવાદ સિટી, ઈન્ડિયા’ નામના સ્ટડીમાં આ ખુલાસો થયો છે. આ સ્ટડી ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસની રિસર્ચ અને ઈનોવેશન ટીમના રિસર્ચર્સ દ્વારા ધીરુભાઈ અંબાણી ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ફોર્મેશન એન્ડ કોમ્પ્યુનિકેશન ટેક્નોલોજી ગાંધીનગરના સહયોગથી હાથ ધરવામાં આવ્યો હતો.
સેટેલાઈટ રડાર ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ટીમે જમીનની ગતિવિધિઓનું નિરીક્ષણ કર્યું હતું અને સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોને ઓળખી કાઢ્યા હતા.