
જાણીતી કાર કંપનીના જનરલ મૅનેજર અને આસિસ્ટન્ટ મૅનેજરે કંપનીમાં એક્સચેન્જમાં આવેલી 68 કાર બારોબાર ડિલરોને વેચી દઈ કંપનીનો રૂ.9.71 કરોડનો ફાંદો કર્યો હતો. કંપનીના ઑડિટ રિપોર્ટમાં ભાંડો ફૂટતાં બંને સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે બંનેની ધરપકડ કરી હતી. બંનેમાંથી આસિસ્ટન્ટ મૅનેજરે અગાઉ આ જ રીતે 2 વખત લાખો રૂપિયાની ગાડીઓના ફાંદા કર્યા હોવાના મામલા પોલીસ સુધી પહોંચ્યા હતા.
આંબલી કાન્હા રેસિડેન્સીમાં રહેતા રજનીશભાઈ અરોરા (55) સોલા વિસ્તારમાં આવેલી જાણીતી કાર કંપનીના સીઈઓ છે. તેમના શો રૂમના યુ ટ્રસ્ટ ડિપાર્ટમેન્ટ કે જે સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું કામ કરે છે. ત્યાં જનરલ મૅનેજર તરીકે જિતેન્દ્રકુમાર શર્મા અને આસિસ્ટન્ટ મૅન્જર તરીકે ચિરાગ નૈનેશભાઈ દત્ત નોકરી કરતા હતા. તેમની કંપનીમાં જે પણ ગ્રાહક નવી કાર બુક કરાવતા હતા તેમની એક્સચેન્જમાં આવેલી કારની રકમ નવી કારની મૂળ રકમમાંથી બાદ કરીને ગ્રાહકને નવી કારની ડિલિવરી કરવામાં આવતી હતી.
દરમિયાનમાં તા.23 જુલાઈ 2025ના રોજ કંપની દ્વારા યુ ટ્રસ્ટ વિભાગનું ઑડિટ કરવામાં આવ્યું હતું, જેમાં કંપની દ્વારા ખરીદવામાં આવેલી 53 કાર મળી ન હતી જ્યારે 15 કારનો યુ ટ્રસ્ટના ડોક્યુમેન્ટ્સમાં ઉલ્લેખ જ ન હતો. આથી 68 કાર ગાયબ હતી. જે વિશે તપાસ કરતાં જિતેન્દ્રકુમાર શર્મા અને ચિરાગ દત્તે એપ્રિલ, 2025થી જુલાઈ, 2025 સુધીમાં કંપનીમાં આવેલી 68 કાર (કિંમત રૂ.9.71 કરોડ) જુદા જુદા ડિલરોને વેચી દીધી હતી અને પૈસા લઈ લીધા હતા. પરંતુ તે પૈસા કંપનીમાં જમા કરાવ્યા ન હતા.
જેથી આ અંગે રજનીશભાઈએ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં જિતેન્દ્રકુમાર શર્મા અને ચિરાગ દત્ત વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બંનેની ધરપકડ કરી હતી. પીઆઇ કે. એન. ભુકણે જણાવ્યું હતું કે ચિરાગ દત્ત અગાઉ એક કંપનીમાં નોકરી કરતો હતો. ત્યારે તેણે ત્યાં પણ આવી જ રીતે કારનો ફાંદો કરીને લાખો રૂપિયા ઘર ભેગા કર્યા હતા. જ્યારે ચિરાગ દત્તે ગાડી લે વેચનો ધંધો શરુ કર્યો હતો. તેમાં પણ તેણે ડુપ્લીકેટ આરસી બુકના આધારે ગાડીઓ વેચી દીધી હતી. આ બંને કિસ્સામાં ચિરાગ દત્ત સામે ક્રાઈમ બ્રાન્ચમાં અરજી થઈ હતી. પરંતુ તેમાં ગુના દાખલ થયા ન હતા.
કારદીઠ 10 હજાર લેખે 6.80 લાખ કમિશન લીધું હતુંઃ ચિરાગ દત્ત અને જીતેન્દ્રકુમાર શર્માનો ભાંડો ફુટતા કંપની દ્વારા તપાસ કરવામાં આવતા તે બંનેએ આ ગાડીઓ જુદા જુદા ડિલરોને વેચી હતી. જેથી તે ડિલરોને પૂછતા તેમણે કહ્યું હતુ કે જીતેન્દ્ર અને ચિરાગને દરેક ડિલરે એક ગાડીનું રૂ.10 હજાર કમિશન આપ્યુ હતુ. આમ આ બંનેએ ગાડીઓ વેચવાનું રૂ.6.80 લાખ કમિશન લીધુ હતુ.
ગ્રાહકોને રિસિપ્ટ આપતા પણ જમા નહોતી કરાવીઃ જે પણ ગ્રાહક કંપનીમાં એકસચેન્જમાં કાર આપતા હતા તેમને કંપની તરફથી રિસિપ્ટ આપવામાં આવતી હતી. જેમાં ગાડીની તમામ વિગતો તેમજ કિંમત દર્શાવવામાં આવતી હતી. તે પૈસા ગ્રાહકને નવી ગાડીમાંથી બાદ મળી જતા હતા. જો કે ચિરાગ દત્ત અને જીતેન્દ્રકુમાર શર્મા ગ્રાહકોને તો રિસિપ્ટ આપતા હતા, પરંતુ તે કંપનીમાં જમા કરાવતા ન હતા.