કલ્પસરના લાંચિયા નાયબ કાર્યપાલક ઇજનેરને દોઢ વર્ષની સજા અને 10 હજારનો દંડ

Spread the love

 

ગાંધીનગરની ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે લાંચના એક જૂના કેસમાં કલ્પસર યાંત્રિક સેલના નાયબ કાર્યપાલક ઇજનેર નટવરભાઈ વિઠ્ઠલભાઈ પટેલને દોષિત ઠેરવીને સજા સંભળાવી છે. કોર્ટે આરોપીને એક વર્ષ અને છ મહિનાની કેદની સજા અને રૂ. 10,000નો દંડ ભરવાનો હુકમ કર્યો છે.
4 હજારની લાંચ લેતા રંગેહાથ પકડાયા હતાઃ
આ કેસની વિગતો મુજબ, વર્ષ 2008માં ફરિયાદીએ તેમની વારાહી ટ્રાવેલ્સની ગાડીઓ આરોપી નટવરભાઈની કચેરીમાં ભાડેથી આપી હતી. આ ગાડીઓના ભાડા પેટે ફરિયાદીને રૂ. 24,276ની રકમ મળવાની બાકી હતી. આ બિલ પાસ કરવા માટે આરોપી નટવરભાઈએ ફરિયાદી પાસેથી રૂ. 4,000ની લાંચની માંગણી કરી હતી. આ માંગણીના આધારે ગાંધીનગર એ.સી.બી.એ છટકું ગોઠવીને આરોપી નટવરભાઈ પટેલને રૂ. 4,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તે સમયે તેમની વિરુદ્ધ ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ કેસ ગાંધીનગરની ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. સરકાર પક્ષે સરકારી વકીલ પ્રીતેશ ડી. વ્યાસે દસ્તાવેજી, મૌખિક અને લેખિત પુરાવા રજૂ કરીને કોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરી હતી. કોર્ટે તમામ પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખીને આરોપીને સજા સંભળાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *