એક્ટિવા ચોરનાર યુવકને માર મારતાં મોત, 3 સામે મર્ડરનો ગુનો નોંધાયો

Spread the love

 

 

ગાંધીનગરના લવારપુર પાસે ગેરેજ ઉપરથી એક એક્ટિવાની ચોરી થઇ હતી. જેથી એક્ટિવાનો માલિક ચોરને શોધવા તેના બે મિત્રો સાથે કારમાં બેસી હિંમતનગર તરફ પૂછપરછ કરતો કરતો પહોંચ્યો હતો. જેમાં ગાંભોઇ પાસે એક્ટિવા જોવા મળતા યુવકને રોકવાનો પ્રયાસ કરતા તેને વાહન રોંગ સાઇડે દોડાવતા રોડ સાઇડના ખાડામાં પટકાયો હતો. જેથી યુવકોએ એક્ટિવા સાથે પકડી લીધો હતો અને કારમાં બેસાડી લવારપુર લાવ્યા હતા અને માર માર્યો હતો. જેમાં યુવકનુ મોત થતા 3 આરોપીઓ સામે મર્ડરનો ગુનો નોંધવામાં આવ્યો છે.
ગાંધીનગરના મોટા ચિલોડા-નરોડા રોડ ઉપર આવેલા લવારપુર ગામમાં આવેલા એક ગેરેજ ઉપરથી બે દિવસ પહેલા એક્ટિવાની ચોરી થઇ હતી. પોતાના વાહનની ચોરી થતા માલિક ગેરેજનો માલિક યશ ભરતભાઇ દરજી તેના બે મિત્રો નિકુંજ દશરથભાઇ પટેલ અને સંજય જયદીશભાઇ બારોટ સાથે હિંમતનગર તરફ કાર લઇને શોધવા નીક્ળ્યા હતા. જેમાં હિંમતનગરથી આગળ ગાંભોઇ પાસે પહોંચતા એક્ટિવા જોવા મળતા તેના ચાલકને રોકવાનો ઇશારો કરતા વાહન હંકાર્યુ હતું અને બાદમાં રોડ સાઇડમાં અકસ્માતગ્રત થયું હતુ. જેથી ત્રણ મિત્રોએ એક્ટીવા ચોરનાર આશરે 30 વર્ષીય કલ્પેશ નટુભાઇ કટારાને પકડી લીધો હતો અને તેને લવારપુર લાવ્યા હતા.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 3 મિત્રો યશ, નિકુંજ અને સંજય દ્વારા કલ્પેશને કારમાં અને લવારપુર લાવીને ઢોર માર મારવામાં આવ્યો હતો, જેથી ગાંધીનગર સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો અને બાદમાં તેનુ મોત થઇ ગયુ હતુ. આ બનાવ બાદ મૃતકના ભાઇએ ડભોડા પોલીસ મથકમાં 3 આરોપીઓ સામે મર્ડરનો ગુનો નોંધાવ્યો છે. પેનલ રિપોર્ટમાં પણ સામે આવ્યુ છેકે, યુવકને અકસ્માત બાદ સામાન્ય ઇજાઓ હતી, પરંતુ મુઢ માર મારવાના કારણે મોત થયું છે. જેથી મૃતકના ભાઈએ ફરિયાદ કરતાં પોલીસે આ બનાવમાં કાર્યવાહી કરી હતી. આ બનાવનો ગુનો નોંધાયા બાદ એસસીએસટી સેલના ડીવાયએસપી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *