
ગાંધીનગરના સરગાસણમાં આવેલી નમો નારાયણ સોસાયટી ગુડાના મકાનમાં રહેતા મિત્રને યુવકો લેવા માટે ગયા હતા. રજિસ્ટરમાં એન્ટ્રી કરીને અંદર ગયા બાદ સોસાયટીમાં રહેતો એક વ્યક્તિ આવ્યો હતો અને તમે સોસાયટીમાં કેમ આવ્યા છો ? કહીને લાકડીથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં શરીરે ઈજાઓ થતા મારામારી કરનાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ નીલ વિજયકુમાર પટેલ (રહે પોર ગામ) દ્વારા રાતના 3 વાગે મિત્ર અરુણ સુથાર અને ક્રિષ્નકાંત રાણા સાથે ડભોડા દર્શન કરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. જેથી ગતરોજ રાતના સમયે સરગાસણમાં આવેલા નમો નારાયણ ગુડાના મકાનમાં રહેતા તેના મિત્ર કૃષ્ણકાંતને લેવા માટે યુવક અને તેનો મિત્ર સોસાયટીમાં ગયો હતો.
કૃષ્ણકાંત કપડાં બદલવા માટે તેના ઘરે જતા બે મિત્રો સોસાયટીમાં સિક્યુરિટી પાસે રહેલા રજીસ્ટરમાં નોંધ કરીને અંદર જઈને ઉભા રહ્યા હતા, તે સમયે તેનો મિત્ર તેના મકાન ઉપર કપડાં બદલવા ગયો હતો.
તે દરમિયાન સોસાયટીમાં રહેતો દિગ્વિજયસિંહ કૃષ્ણસિંહ ચાવડા બે મિત્રો પાસે આવે તો અને કહેવા લાગ્યો હતો કે, તમે અંદર કેમ આવ્યા છો ? જેથી આ મિત્રોએ કહ્યું હતું કે તેનો મિત્ર તેના ઘરે કપડાં બદલવા ગયો છે અને અમે ગેટ ઉપર રજીસ્ટરમાં નોંધ કરીને આવ્યા છીએ તેમ કહ્યા બાદ પણ દિગ્વિજય સિંહ પાસે રહેલી લાકડી લઈને મારામારી કરી હતી અને ધમકી આપી હતી કે, હવે પછી સોસાયટીમાં દેખાયા છો તો જાનથી મારી નાખીશ. જ્યારે લાકડીથી હુમલો કરતા યુવકને શરીરે ઇજાઓ થતા ગાંધીનગર સિવિલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા બાદ મારામારી કરનાર આરોપી સામે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.