
ગાંધીનગર શહેર આજે તિરંગાના રંગે રંગાયું હતું. “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” અભિયાન અંતર્ગત આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં “હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા” અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. નાગરિકોએ દેશભક્તિના ગીતો અને સૂત્રોચ્ચાર સાથે વિશાળ ત્રિરંગો લહેરાવીને દેશભક્તિનો માહોલ ઉભો કર્યો હતો.
સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમાં યોજાયેલી આ યાત્રામાં અનેરા થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહની સાથે અખંડ ભારતની એકતાના યશગાન દૃશ્યમાન થયાં હતા. જેમાં ભાનુબેન બાબરીયાની સાથે મેયર મીરાબેન પટેલ તથા ધારાસભ્ય રીટાબેન પટેલ, અલ્પેશ ઠાકોર સહભાગી થયા હતા.
ગાંધીનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ ભવ્ય તિરંગા યાત્રાનું સેકટર 6ના અપના બઝાર ખાતેથી મંત્રીએ ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. દેશપ્રેમની ભાવના ઉજાગર કરતી આ ભવ્ય તિરંગા યાત્રા અપના બજાર પાસેથી પ્રસ્થાન કરી, ઘ-2 સર્કલ, ઘ-2સર્કલથી ડાબી તરફ વળીને ચ-2 સર્કલ તરફથી સેક્ટર-7ના અપ્રોચમાંથી પસાર થઈ હતી.
જયાં ભારતમાતા મંદિરથી જમણી તરફના સેક્ટર રિંગરોડ પરથી પસાર થતાં, યાત્રા સેક્ટર-7 સરકારી પગારકેન્દ્ર શાળા, સેક્ટર-7 ગાર્ડન થઈને સેક્ટર-7ના મુખ્ય શોપિંગ સેન્ટર સુધી પહોંચી હતી.
દેશભક્તિના ગીતો સાથે આ યાત્રા જેમ જેમ રૂટ પર આગળ વધતી હતી, તેમ લોકોમાં દેશપ્રેમનો સૈલાબ ઉમટયો હતો. રૂટ પર સ્થાનિકો દ્વારા ભવ્ય તિરંગા યાત્રાને પુષ્પ વૃષ્ટિ સહ આવકાર અને વધામણા કરવામાં આવ્યા હતા. સેક્ટર-7ના મુખ્ય શોપિંગ સેન્ટર ખાતે પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે રાષ્ટ્ર ગાન અને ભારત માતાની જયઘોષ સાથે યાત્રા પૂર્ણ થઈ હતી. યાત્રાના રૂટમાં વિવિધ કલાવૃંદ દ્વારા ગરબા, રાસ, વિવિધ પરંપરાગત નૃત્ય અને દેશભક્તિ સાથે સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી.
આ તિરંગા યાત્રામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ, કલેકટર મેહુલ દવે, મહાનગરપાલિકાના કમિશનર જે. એન. વાઘેલા, મોટી સંખ્યામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ અને દેશપ્રેમી નાગરિકો આ ભવ્ય તિરંગા યાત્રાની ઐતિહાસિક ક્ષણોના સહભાગી બન્યા હતા.