
ગાંધીનગરના કલોલ તાલુકાના કોઠા ગામમાં દેવીપૂજક સમાજની સભા દરમિયાન હિંસક ઘટના સામે આવી છે. જય શ્રી હડકમાઈ માતા સમસ્ત દેવી-પૂજક ચેરીટીબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સભામાં મંદિર નિર્માણના મુદ્દે વિવાદ થયો હતો. સભામાં હથિયાર સાથે આવેલા ટોળાએ તોડફોડ સાથે મારામારી કરી હતી, જેમાં એક વ્યક્તિને આંખની નીચે છરીથી ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળે પહોંચી સમગ્ર મામલો સંભાળ્યો હતો.
આ અંગેની મળતી માહિતી પ્રમાણે, જય શ્રી હડકમાઈ માતા સમસ્ત દેવી-પૂજક ચેરીટીબલ ટ્રસ્ટે વર્ષો પહેલાં કોઠા ગામમાં સાડા ચારેક વીઘા જમીન ખરીદી હતી. આ જમીનમાં હડકમાઈ માતાનું મંદિર અને ધર્મશાળા બનાવવા માટે ગઈકાલે (10 ઓગસ્ટ) મંડપ બાંધીને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં સમાજના આશરે 1000 લોકો હાજર હતા. સભા ચાલી રહી હતી ત્યારે કિરણ ઉર્ફે કિરણ બાવાભાઈ જાનુ, ભરત હિરાભાઈ દંતાણી, અરવિંદ વિકાણી સહિત અન્ય લોકો ધોકા લઈને આવ્યા હતાં અને ગાળો બોલવા લાગ્યા હતા.
તેઓએ દાવો કર્યો કે, તેઓ એકલા જ મંદિર બનાવશે અને મુખ્ય ટ્રસ્ટી રહેશે. આથી સ્ટેજ પરના મહાનુભાવોએ તેમને શાંતિથી વાત કરવા જણાવ્યુ હતું, પરંતુ આ લોકો ઉશ્કેરાઈ ગયા હતા. જેમાં કિરણ જાનુએ છરી વીંઝતા ફરિયાદી સીતારામ દંતાણીને જમણી આંખ નીચે ઈજા થઈ હતી. જ્યારે અમિત દાતણીયાને પણ ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો.
બાદમાં આરોપીઓએ ટ્રસ્ટના પ્રમુખ રૂપસંગ ભરભીડીયા સહિતના આગેવાનો સાથે ઝપાઝપી કરી હતી. ઉપરોક્ત આરોપીઓ સહિતના ટોળાંએ મંડપમાં રાખેલી ખુરશીઓ તોડી નાખી અને પાર્કિંગમાં પડેલી ગાડીના કાચ તોડી પણ નાખ્યા હતા. જ્યારે કેટલાક મોટરસાઇકલોને પણ નુકશાન પહોંચાડ્યું હતું.
જતા-જતા આરોપીઓએ ટ્રસ્ટના સભ્યોને ધમકી આપી હતી કે, તેઓ ત્યાં મંદિર કે ધર્મશાળા બનાવવા દેશે નહીં. જો બનાવશે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ બનાવની જાણ થતાં કલોલ તાલુકા પીઆઇ ઉન્નતિબેન પટેલ સહિતનો પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો. સ્થિતિ વધુ વણસે એ પહેલાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
આ અંગે પીઆઈએ જણાવ્યું કે, દેવીપૂજક સમાજની સભામાં મંદીર બનાવવા મુદે માથાકૂટ થઈ હતી અને આરોપીઓએ હુમલો કર્યો હતો. સીતારામની ફરિયાદના આધારે 12 સહિતના લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.