
ગાંધીનગરના સરગાસણમાં સ્પર્શ બ્રીઝ ગ્રીન સ્કીમમાં ફ્લેટ બુકિંગના બહાને સેક્ટર- 8 ના ઈસમે પોતાના સંબંધી સાથે 16 લાખની છેતરપિંડી આચરવામાં આવતા ઇન્ફોસિટી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર સરગાસણ બ્રિજ ગ્રીન સોસાયટીમાં રહેતાં ચિરાગસિંહ ભુપેન્દ્રસિંહ રાઓલ ડેર હોક એડવેન્ચર્સ નામની ટુરિઝમ કંપનીમા ડાયરેકટર છે. વર્ષ વર્ષ-2019 માં મકાન/ફ્લેટ રાખવા બાબતે તેમણે સેકટર 8 માં રહેતા તેમના સગા ધર્મેન્દ્રસિંહ નારણસિંહ વાઘેલા વાત કરી હતી. એ વખતે સરગાસણમાં સ્પર્શ બ્રિજ ગ્રીન નામની સ્કીમ બનવાની હોય (જેનું હાલનું નામ બ્રીઝ ગ્રીન છે) જેમાં હુ તથા મારા સગા ભાગીદાર છે તેવો વિશ્વાસ આપ્યો હતો.
આથી ચિરાગસિંહે વર્ષ 2019માં 30 લાખમાં પાંચમા માળે ફ્લેટ લેવાનું નક્કી કર્યું હતું. જેના બુકિંગ માટે તેમણે તેમના પિતાના એકાઉન્ટમાંથી કુલ 16 લાખ રૂપિયા ચેક દ્વારા આપ્યા હતા. આ રકમમાંથી ધર્મેન્દ્રસિંહે 10 લાખ તેમની પત્નીના એકાઉન્ટમાં અને બાકીની રકમ પોતાના એકાઉન્ટમાં જમા કરાવી દીધી હતી.
આ બાબતે પૃચ્છા કરતાં ધર્મેન્દ્રસિંહે રેરા રજીસ્ટ્રેશન નંબર ન હોવાથી નાણાં અંગત એકાઉન્ટમાં જમા કર્યા હોવાનું કારણ આપ્યું હતું. જો કે બંને એકબીજા સગા હોવાના કારણે ચિરાગસિંહે વિશ્વાસ રાખ્યો હતો. બાદમાં કંપનીના અન્ય ભાગીદાર કૃણાલભાઇ દેસાઇએ માત્ર 8 લાખ જ કંપનીને મળ્યા હોવાનું જણાવ્યું હતું. અને બીજા પૈસા જમા કરાવશો તોજ ફ્લેટનો દસ્તાવેજ કરી આપવાની વાત કરી હતી. આથી ચિરાગસિંહે ફ્લેટનો દસ્તાવેજ કરવા બેંક ઓફ બરોડામાંથી 22 લાખની લોન લઈને કંપનીમાં જમા કરાવી હતી. અને કુલ 30 લાખ ચૂકવ્યા બાદ ફ્લેટનો દસ્તાવેજ કરી લીધો હતો. પરંતુ અગાઉ આપેલા 16 લાખ ધર્મેન્દ્રસિંહે આજદિન સુધી પરત ન કરતાં ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.