
ભાઇ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન તહેવાર નિમિત્તે એસ ટી નિગમે એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. એકસ્ટ્રા બસો દોડાવવાથી નગરના ડેપોને પ્રતિ દિન રૂપિયા 3.80 લાખ લેખે પાંચ દિવસમાં જ કુલ-19.04 લાખની અધધ આવક થવા પામી છે. એસ ટી ડેપોમાંથી પંચમહાલ વિસ્તારમાં પાંચ દિવસમાં કુલ-110 બસોએ 220 ટ્રીપોથી કુલ-11376 મુસાફરોને તેમના નિયત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. એકસ્ટ્રા બસોનું સંચાલનથી મુસાફરોને સમયસર બસ મળી રહેવાથી રાહત રહી હતી.
હિન્દુશાસ્ત્રોમાં તહેવારોનું વિશેષ મહાત્ય રહેલું હોય છે. તેમાંય ચાતુર્માસ દરમિયાન અનેક નાના મોટા તહેવારો આવતા હોય છે. ત્યારે તહેવારોમાં પોતાના વતનમાં માતા-પિતા સાથે જઇને ઉજવણી કરવાની ઇચ્છા નોકરીયાતોમાં જોવા મળતી હોય છે. પરંતું તહેવારોમાં બધાય વતનમાં જતા હોવાથી સમયસર બસ નહી મળવાની સમસ્યા વર્તમાન સમયમાં ભૂતકાળ બની ગઇ છે. કેમ કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મોટા તહેવારોમાં મુસાફરો માટે એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવે છે. તેમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે એસ ટી નિગમે એકસ્ટ્રા બસો દોડાવીને માત્ર પાંચ દિવસમાં રૂપિયા 19 લાખથી વધારે આવક મેળવી છે.
રક્ષાબંધન પર્વ નિમિત્તે એકસ્ટ્રા બસોના સંચાલન અંગે એસ ટી ડેપોના મેનેજર હાર્દિક રાવલે જણાવ્યું છે કે રક્ષાબંધન પર્વ નિમિત્તે પંચમહાલ વિસ્તારમાં જતા મુસાફરો માટે એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. તેમાં ગત તારીખ 6ઠ્ઠી, ઓગસ્ટથી તારીખ 10મી, ઓગસ્ટ સુધી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. તેમાં એસ ટી નિગમે નિયત કરેલું ભાડું મુસાફરો પાસેથી વસુલવામાં આવ્યું હતું. તેમાંય સતત પાંચ દિવસ સુધી નગરના ડેપોમાંથી પંચમહાલ સહિતના વિસ્તારોમાં એકસ્ટ્રા 110 બસો દોડાવવામાં આવતા પાંચ દિવસમાં કુલ-220 ટ્રીપો મારીને 11376 મુસાફરોને તેમના વતનમાં મોકલવામાં આવ્યા હતા.
મુસાફરોને તહેવારોમાં સરળતાથી બસની સુવિધા મળી રહે તે માટે એકસ્ટ્રા બસો દોડાવવાથી નગરના ડેપોને પણ ચાંદી જ ચાંદી જેવી સ્થિતિ બની રહી હતી. એકસ્ટ્રા બસોના સંચાલનથી નગરના ડેપોને પ્રતિ દિન રૂપિયા 3.80 લાખ લેખે કુલ પાંચ દિવસમાં કુલ-19.04 લાખની આવક થવા પામી હતી. એકસ્ટ્રા બસોની આવકથી ડેપોની વાર્ષિક આવકમાં વધારો થવાની શક્યતાને નકારી શકાય નહી. જોકે એકસ્ટ્રા બસોના સંચાલનને પગલે રેગ્યુલર રૂટ ઉપર દોડતી બસો નહીં મળવાથી મુસાફરોમાં નારાજગી જોવા મળી હતી.