અદાણી શાંતિગ્રામ બ્રિજ નજીક હોન્ડા સિટી કારચાલક બાઈકને ટક્કર મારી ફરાર, કડિયાકામના કોન્ટ્રાક્ટરનું મોત

Spread the love

 

 

 

અમદાવાદના એસ.જી. હાઈવે પર અદાણી શાંતિ ગ્રામ બ્રિજ નજીક હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમા આવી છે. કડિયાકામના કોન્ટ્રાક્ટર પોતાનું બાઈક લઈને કામ અર્થે જઈ રહ્યા હતા એ દરમિયાન કારચાલક બાઈકને ટક્કર મારીને નાસી ગયો હતો. જેમાં ગંભીર ઇજાગ્રસ્ત બાઇક ચાલકનું મોત નીપજતા અડાલજ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા દિનેશભાઈ ચૌહાણ ખાનગી કંપનીની કાર ચલાવીને પરિવારનો ગુજરાન ચલાવે છે. જેમના પિતા બળદેવભાઈ ચૌહાણ કડિયા કામના કોન્ટ્રાક્ટર તરીકે ધંધો કરતા હતા. ગઈકાલે બપોરે બળદેવભાઈ પોતાની બાઈક પર કામે જઈ રહ્યા હતા. આ દરમિયાન અદાણી શાંતિગ્રામ બ્રિજ પાસે એક હોન્ડા સિટી કાર (નંબર GJ-06-LK-4827)એ પાછળથી તેમની બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જ્યારે અકસ્માતના પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે બળદેવભાઈને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતની જાણ થતા દિનેશભાઈ સહિતના પરિવારજનો સોલા સિવિલ દોડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે બળદેવભાઈને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા અડાલજ પોલીસ હોસ્પિટલ પહોંચી ગઈ હતી અને જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈકાલે સાંજના બળદેવભાઈની અંતિમ ક્રિયાની તૈયારીઓના કારણે આજે દિનેશભાઈએ ફરિયાદ આપતા અડાલજ પોલીસે ગુનો નોંધી કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *