
ગાંધીનગર મહાનગરપાલિકાએ ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ અભિયાન અંતર્ગત સેક્ટર-25 GIDC પાસે આવેલી વિવેકાનંદ વસાહતમાં મેગા સફાઈ ઝુંબેશ શરૂ કરી છે. આ અભિયાનમાં મેયર મીરાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ અને મ્યુનિસિપલ કમિશનર જે. એન. વાઘેલા સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા છે.
સફાઈ કામગીરી માટે 3 જેસીબી, 3 ટ્રેક્ટર અને 1 રોટોવેટર મશીન તૈનાત કરવામાં આવ્યા છે. વસાહતના ધાબા, ફોયર, ખુલ્લા મેદાન અને સીડીઓમાંથી મોટી માત્રામાં ભંગારનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. બાગાયત શાખા દ્વારા લીમડો, બોરસલી, સરગવો, જાંબુ અને કેશીયા જેવા જોખમી અને નમી ગયેલા વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવ્યું છે. એસ્ટેટ શાખાની 50 કર્મચારીઓની ટીમે 5 ઓટલા અને 7 શેડ તોડી પાડ્યા છે.
સ્થાનિક રહીશો સાથે સંવાદ કરતા અધિકારીઓએ જણાવ્યું કે સ્વચ્છતા એ સામૂહિક જવાબદારી છે. દરેક નાગરિકે પોતાના ઘર અને આસપાસના વિસ્તારની સ્વચ્છતા જાળવવી જોઈએ. આ સફાઈ અભિયાન આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે. મનપાનું લક્ષ્ય વિવેકાનંદ વસાહતને આદર્શ સ્વચ્છ વસાહત બનાવવાનું છે.