
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નોકરી અને મોંઘવારીના આંકડા જાહેર કરતી સંસ્થા બ્યુરો ઑફ લેબર સ્ટેટિસ્ટિક્સ ના વડા પદે ર્થશાસ્ત્રી ઈજે એન્ટનીની નિમણૂક કરી છે. હાલ ઈજે એન્ટની કન્ઝર્વેટિવ હેરિટેજ ફાઉન્ડેશનમાં મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે કામ કરે છે.જો કે તેમની નિમણૂક હજુ અમેરિકી સેનેટ દ્વારા મંજૂર થવાની બાકી છે.
ટ્રમ્પે સોમવારની રાત્રે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતાં કહ્યું કે, અમારું અર્થતંત્ર ઝડપથી વધી રહ્યું છે અને ઈજે એન્ટની એ સુનિશ્ચિત કરશે કે જાહેર થતા આંકડા ઈમાનદારી અને સંપૂર્ણ ચોકસાઈ સાથે રજૂ થાય. જો સેનેટ ઈજે એન્ટનીના નામને મંજૂરી આપે છે.તો તેઓ હાલની કમિશનર એરિકા મેકએન્ટાર્ફરની જગ્યાએ નિયુક્ત થશે. એન્ટની સરકારના ખર્ચ, કર નીતિઓ અને કેન્દ્રીય બેંકની નીતિઓના ઊંડા વિશ્લેષણમાં નિષ્ણાત છે. એરિકાએ નૉધર્ન ઈલિનોઇસ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી હાંસલ કરી છે અને અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં અધ્યાપન પણ કર્યું છે. એન્ટનીએ વિશાળ ફિસ્કલ પેકેજો ઉપર વિચાર વિમર્શ કર્યો છે અને લાંબા ગાળાના દેવાના જોખમો અંગે ચેતવણીઓ આપી છે.
એરિકા મેકએન્ટાર્ફરની નિમણૂક પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનના કાર્યકાળ દરમિયાન થઈ હતી. ટ્રમ્પે 1 ઓગસ્ટે મેકએન્ટાર્ફરને પદ પરથી હટાવી દીધા હતા. તેનું કારણ એ હતું કે જુલાઇ મહિનામાં બહાર પાડવામાં આવેલા રોજગારના આંકડાઓ મુજબ મે અને જૂન મહિના દરમિયાન રોજગાર વૃદ્ધિ અપેક્ષા કરતાં ઘણી ઓછી રહી હતી. આ રિપોર્ટને લઈ ટ્રમ્પે નારાજગી દર્શાવી હતી અને રાજકીય કારણોસર આંકડાઓમાં ખોટીબમણી કરવાનો આરોપ મૂક્યો હતો. જોકે તેના વિરુદ્ધમાં કોઇ પુરાવો મળ્યો નહોતો. ટ્રમ્પે મેકએન્ટાર્ફરને પદ પરથી દૂર કરતા કહ્યુ હતુ કે અમને એવા લોકો જોઇએ છે કે જેમની પર આપણે વિશ્વાસ મુકી શકીએ.