
હિમાચલમાં પાંચ સ્થળોએ વાદળ ફાટવાની ઘટના બાદ આજે કાશ્મીરના કિશ્તવાડમાં પણ વાદળ ફાટતા મેઘતાંડવ સાથે પુરની હાલત સર્જાઈ હતી. લંગરોના શેડ તણાઈ જવા સાથે ભારે તારાજી ઉપરાંત જાનમાલની નુકશાનીની પણ આશંકા છે. બચાવ ટીમોને મોકલવામાં આવી છે. પ્રાથમિક રિપોર્ટમાં 12 લોકોના મોત હોવાની શંકા દર્શાવાઈ છે.
જમ્મુ ક્ષેત્રના કિશ્તવાડના પાડર વિસ્તારમાં આજે વાદળ ફાટયુ હતું. અનરાધાર વરસાદથી નદીઓના જળસ્તરમાં મોટો વધારો થયો હતો. પુરની હાલત સર્જાતા લોકો ભયભીત બન્યા હતા. આ ધાર્મિક યાત્રાનો માર્ગ હોવાથી લંગર ઉભા થયા હતા. લંગરના શેડ ઉપરાંત વાહનો પણ તણાઈ ગયા હતા.
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંઘે સોશ્યલ મીડીયા પોસ્ટમાં કહ્યું કે એસીટી ક્ષેત્રમાં વાદળ ફાટવાની ઘટના બની હતી જેને પગલે તબીબી સંશોધનો સાથેની રાહત બચાવ ટીમ મોકલવામાં આવી છે. એવી વિગતો બહાર આવી છે કે મચૈલ મંદિરે ધાર્મિક ઉત્સવને કારણે યાત્રા માર્ગે સેંકડો ભાવિકો હતો. મંદિર આસપાસ તથા યાત્રા માર્ગે લંગરો પણ ઉભા કરાયા હતા જે તણાઈ ગયા હતા. અનેક વાહનો પણ તણાયા છે. કેન્દ્રીય મંત્રીએ પણ એવો નિર્દેશ કર્યો હતો કે વાદળ ફાટવાની તથા પુરની ઘટનાથી જાનમાલને વ્યાપક નુકશાનની આશંકા છે. કાશ્મીરના લેફ. ગવર્નર મનોજ સિંહાએ કહ્યું કે પોલીસ, સૈન્ય, એનડીઆરએફ તથા એસડીઆરએફની ટીમોને તત્કાળ રાહત-બચાવ અભિયાન હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે. વાદળ ફાટવાથી અનરાધાર વરસાદમાં નદીઓ ગાંડીતૂર થવાથી પુરની સ્થિતિ સર્જાઈ છે સમગ્ર દુર્ઘટનામાં મોટી તારાજી અને જાનખુવારીની શંકા છે. રાહત-બચાવ કાર્યવાહી તથા સર્વે બાદ વાસ્તવિક ચિત્ર સ્પષ્ટ થશે.