ઓપરેશન સિંદૂર અંતર્ગત મોકડ્રીલમાં હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ અને ગ્રામરક્ષક દળના તમામ સભ્યોએ સરાહનીય કામગીરી કરી: નાગરિક સંરક્ષણ કમાન્ડન્ટ નિયામક શ્રી મનોજ અગ્રવાલ
અમદાવાદ
79મું સ્વાતંત્ર્ય પર્વ 2025ની ઉજવણી કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ્ઝ ભવન લાલ દરવાજા ખાતે કરવામાં આવી હતી. જેમાં નિયામકશ્રી નાગરિક સંરક્ષણ કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ્ઝ શ્રી મનોજ અગ્રવાલએ ધ્વજારોહણ કર્યું હતું.
79માં સ્વાતંત્ર્ય પર્વના અવસરની કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે, 15મી ઓગસ્ટ એ માત્ર કેલેન્ડર ની તારીખ નથી, તે આપણા સ્વતંત્રતાનું પ્રતિક છે તે અગણિત સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન, અડગ સંકલ્પ અને અનન્ય સાહસનું પરિણામ છે આજે આપણે આઝાદીના અમૂલ્ય ઉપહારને સ્મરણ કરીએ છીએ અને તેમના પ્રત્યેક ગાઢ આભાર વ્યક્ત કરીએ છીએ તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે ભારતના અર્થતંત્ર અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ભારતની ઇકોનોમી આજે વૈશ્વિકસ્તરે ત્રીજા સ્થાન પર આવવાની તૈયારીમાં છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ આજે ભારતનો જે વિકાસ થયો છે તે બહુમૂલ્ય છે, ભારતની ગણના વિદેશોમાં વિશ્વ ગુરુ તરીકે થઈ રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
હોમગાર્ડઝ નાગરિક સંરક્ષણ અને ગ્રામરક્ષક દળ માત્ર એક સંગઠન નથી તે એકતા અને સ્વેચ્છિક સેવાનું પ્રતીક છે. કુદરતી આફતો સામે પ્રતિકાર આપવો હોય કટોકટીની પરિસ્થિતિઓ દરમિયાન નાગરિકોની સુરક્ષા સાથે સલામતી અને શાંતિ સ્થાપવા આપ સૌ સમર્પણ દર્શાવો છો તે અમૂલ્ય છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે મનોજ અગ્રવાલએ ઓપરેશન સિંદૂર વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર સમયે ભારત સરકારના દિશા નિર્દેશાનુસાર ગુજરાતમાં મોકડ્રીલ કરવામાં આવેલ હતી. જે અંતર્ગત ઓપરેશન અભ્યાસ અને ઓપરેશન શિલ્ડ થકી આ મોકડ્રીલનું આયોજન કરાયું હતું. જેમાં હોમગાર્ડઝ નાગરિક સંરક્ષણ અને ગ્રામરક્ષક દળના તમામ સભ્યોએ સરાહનીય કામગીરી કરી હતી.
શ્રી મનોજ અગ્રવાલે સિવિલ ડિફેન્સના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા તથા અન્ય વિજેતાશ્રીઓને સન્માનિત કરી શુભકામનાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે, દેશની સુરક્ષા અને પ્રગતિમાં યોગદાનને વધારવા માટે આપણે સૌએ એકતા ઈમાનદારી અને દેશપ્રેમના મૂલ્યોને હૃદયમાં સ્થાપિત કરવા પડશે. આ સ્વાતંત્ર્ય પર્વ પર આપણે પ્રતિજ્ઞા લઈએ કે દેશની સુરક્ષા એકતા અને અખંડિતતા જાળવવા માટે આપણે સૌ સજ્જ રહીશું.
ત્યારબાદ તેમણે માધવ નગરમાં તાલીમ લઈ રહેલ હોમગાર્ડઝ બહેનો અને ભાઈઓ દ્વારા તૈયાર કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો અને વૃક્ષારોપણ કર્યું હતું.આ કાર્યક્રમમાં IPS સંયુક્ત નિયામકશ્રી નાગરિક સંરક્ષણ શ્રીપાલ સેશમા, DYSP શ્રી અસદ શેખ તેમજ સિવિલ ડિફેન્સના કર્મચારીશ્રીઓ પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ્સના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.




