
અમદાવાદના ખોખરામાં ધો-8ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટનું મર્ડર કર્યું છે. સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે વિદ્યાર્થીને છરી મારી દેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. ગઈકાલે(19 ઓગસ્ટ) ધોરણ 10ના વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરાયો હતો. ગંભીર ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે મણિનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીના મોત બાદ સેવન્થ ડે સ્કૂલમાં સિંધી સમાજના લોકોએ ઘૂસી પ્રિન્સપાલ અને સ્ટાફને માર્યા હતા. આ સાથે શાળામાં ભારે તોડફોડ કરી હતી. શાળામાં સિંધી સમાજના લોકોએ શાળાની બારીઓના કાચ પણ 500 લોકોના ટોળાએ તોડી નાખ્યા છે.
સિંધી સમાજના લોકો રસ્તો રોકીને રસ્તા પર બેસી ગયા, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. આ સાથે કેટલાક લોકોએ સ્કૂલમાં બસોની તોડફોડ કરી મીડિયાના કેમેરા પણ બંધ કરાવ્યા છે. પોલીસ શાળાના સ્ટાફને બચાવીને લઇ જતી હતી તે દરમિયાન ટોળાએ પોલીસની ગાડી રોકીને ઉંચી કરી નાખી હતી. પોલીસ પહોંચી છતાં સિંધી સમાજના લોકોએ સ્કૂલમાં તોડફોડ ચાલુ રાખી હતી. પોલીસની હાજરીમાં સ્કૂલના સ્ટાફને ટોળાએ ઢોર માર માર્યો હતો. પોલીસ સ્ટાફને લઈને જતી હતી તે દરમિયાન પણ લોકોના ટોળાએ માર મારવાનું ચાલું રાખ્યું હતું. સિંધી સમાજના લોકોએ સ્ટાફનો કોલર પકડીને અલગ અલગ માળ ઉપર લઈ ગયા હતા. આ સાથે જે દરવાજા બંધ હતા તે દરવાજા તોડી નાખ્યા હતા. સ્કૂલના સ્ટાફને લઈને સિંધી સમાજના લોકો અલગ-અલગ માળ ઉપર પહોંચ્યા અને સ્કૂલના ટીચર અને પ્રિન્સિપાલને શોધીને માર માર્યો.
વાસ્તવમાં, અમદાવાદના ઘોડાસરમાં રહેતો 15 વર્ષીય સગીર ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10 ઈંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતો હતો, તેનો પિતરાઈ પણ આ જ સ્કૂલમાં અભ્યાસ કરે છે. એક અઠવાડિયા પહેલાં વિદ્યાર્થી તેના પિતરાઈ સાથે સ્કૂલ છૂટવા સમયે સીડીઓ ઊતરી રહ્યો હતો ત્યારે ધોરણ 8ના એક વિદ્યાર્થી સહિત બે વિદ્યાર્થી સાથે ધક્કામુક્કી થઈ હતી. આથી બંને ભાઈઓને ધોરણ 8ના વિદ્યાર્થી સાથે બોલાચાલી થઈ હતી. આ ઘટના બાદથી બંને જ્યારે સામસામે મળતા ત્યારે બોલાચાલી થતી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ધોરણ 8નો વિદ્યાર્થી જેમ તેમ બોલતો હતો.
આ દરમિયાન મંગળવારે(19 ઓગસ્ટ) બપોરે સ્કૂલ છૂટી ત્યારે ધોરણ 10નો વિદ્યાર્થી બહાર આવ્યો હતો. તે સ્કૂલની સામેના ભાગે મણિયાશા સોસાયટીના ગેટની નજીક પહોંચ્યો ત્યારે ધોરણ 8ના વિદ્યાર્થીએ તેની સાથે બોલાચાલી કરી હતી. આ સમયે અન્ય પાંચથી સાત જેટલા વિદ્યાર્થીઓ પણ હાજર હતા, દરમિયાન ધોરણ 8ના વિદ્યાર્થીએ પોતાની પાસે છુપાવી રાખેલી છરી કાઢીને સગીરને ઘા ઝીંકી દીધા હતા અને ભાગી ગયો હતો. આ તરફ ઈજાગ્રસ્ત વિદ્યાર્થી ડરનો માર્યો સ્કૂલના કમ્પાઉન્ડના પાછળના ભાગે દોડી આવ્યો હતો, જેને સિક્યોરિટી ગાર્ડે જોતા સ્કૂલ સત્તાવાળાઓ તેમજ પોલીસને જાણ કરી હતી.
ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને મણિનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે સગીરની માતાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં હુમલો કરનારા ધોરણ 8ના વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે હુમલો કરનારા સગીર વિદ્યાર્થીને જુવેનાઇલ એક્ટ અંતર્ગત રાઉન્ડ અપ કર્યો હતો. આ સાથે પોલીસે બનાવ મામલે સીસીટીવી ફૂટેજ મેળવી તેમજ ઘટના સમયે હાજર અન્ય વિદ્યાર્થીઓનાં નિવેદન લીધા હતા. પોલીસે સ્કૂલના સિક્યોરિટી ગાર્ડ શિક્ષકો તેમજ અન્ય વિદ્યાર્થીઓ સાથેની વાતચિતમાં ઘણા લોકોનાં નિવેદન સામે આવ્યા, જેમાં એવું સામે આવ્યું છે કે, જે વિદ્યાર્થીએ છરી મારી તેની સામે અગાઉ સ્કૂલને અનેક ફરિયાદો મળી હતી. તેમાં કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્કૂલ દ્વારા અમને બનાવ અંગે જાણ કરવામાં આવી નથી. જેથી અમે સ્કૂલને નોટિસ ફટકારી રૂબરૂ હાજર રહી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. આ અંગે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર, જુવેનાઈલ કોર્ટ અમિત તિવારીએ જણાવ્યું કે જે કેસમાં સાત વર્ષ કે તેથી વધુની સજાની જોગવાઈ હોય તેવા કેસમાં સગીર સામે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ કેસ ચાલે છે. તેમાં ચાઇલ્ડ વેલ્ફેર ઓફિસર સાથે જ રહે છે, જે એક સોશિયલ બેકગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરે છે. બોર્ડ સમક્ષ સગીરને રજૂ કરવામાં આવે ત્યાં પોલીસ પણ સિવિલિયન ડ્રેસમાં હાજર રહે છે. કોર્ટની કાર્યવાહીની જેમ જે તે બાળકના વાલી જામીન અરજી મૂકે તેની સામે કોર્ટ પ્રોબેશન રિપોર્ટ રજૂ કરવાનું કહે ત્યારે પોલીસ બાળકના ઘરે જાય છે, તેની સ્કૂલમાં જાય છે, તેના મિત્રોને મળે અને તેના બિહેવિયરનું એનાલિસીસ કરીને રિપોર્ટ રજૂ કરે છે અને પછી તેને જામીન મળી શકે. આ પ્રક્રિયા દરમિયાન સગીરને પોલીસ સ્ટેશનમાં રાખી શકાય નહિ, જેથી ઓબ્ઝર્વેશન હોમમાં તેને રાખવો પડે છે, જ્યાંથી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવે છે.