
કેનેડાના વર્ક પરમિટ અને પીઆર અપાવવાના બહાને ગાંધીનગરના એક વેપારી પાસેથી રૂ. 2.73 કરોડની માતબર રકમની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. વેપારી જનક જીતેન્દ્રકુમાર પટેલે વડોદરાની એક વિઝા કન્સલ્ટન્ટ કંપનીના માલિક ગગનદીપ અમરપ્રીતસિંહ વિરુદ્ધ CID ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, ગાંધીનગરમાં ‘નારાયણ કન્સલ્ટન્ટ’ નામથી ઓફિસ ચલાવતા જનકભાઈ પટેલે વડોદરા સ્થિત ‘ઓવરસીસ ગેટ-વે ડિવિઝન ઓફ ઓ.જી. બિઝનેસ સોલ્યુશન ઓ.પી.સી. પ્રા. લી.’ના માલિક ગગનદીપ અમરપ્રીત સિંહ સાથે ધંધાકીય સંબંધો સ્થાપ્યા હતા. જનકભાઈ ગગનદીપને કેનેડાના વિઝા ઈચ્છતા ગ્રાહકોની ફાઈલો મોકલતા હતા.
કુલ 26 ફાઈલો માટે રૂ.3.44 કરોડ ચૂકવાયા
એપ્રિલ 2022થી જાન્યુઆરી 2024 દરમિયાન, જનકભાઈએ 26 ગ્રાહકોની ફાઈલો ગગનદીપને આપી હતી અને તેના પેટે કુલ રૂ. 3,44,00,000 ચૂકવ્યા હતા. આ રકમમાંથી રૂ.71,00,000 RTGS/NEFT અને બાકીના રૂ. 2,73,00,000 રોકડા ચૂકવવામાં આવ્યા હતા.
વિઝા રિજેક્ટ થયા બાદ ભાંડો ફૂટ્યો
જો કે સમય જતાં જાણવા મળ્યું કે, 26માંથી માત્ર એક જ ફાઈલના વિઝા આવ્યા હતા, જ્યારે બાકીની 25 ફાઈલો રિજેક્ટ થઈ ગઈ હતી. જનકભાઈએ ગગનદીપ પાસે પૈસા પાછા માંગતા ગગનદીપે તબક્કાવાર કુલ રૂ.71,00,000 પરત કર્યા હતા. ત્યારબાદ, જાન્યુઆરી 2024માં રૂ.300ના સ્ટેમ્પ પેપર પર નોટરીની હાજરીમાં એક MOU (સમજૂતી કરાર) થયો હતો, જેમાં ગગનદીપે બાકીના રૂ.2,73,00,000 ચૂકવી દેવાની લેખિત બાંહેધરી આપી હતી.
આરોપી ફરાર, ફોન બંધ
બંને વચ્ચે થયેલા કરાર મુજબ, ગગનદીપે રૂ.30,00,000 પરત કર્યા, પરંતુ બાકીના રૂ.2,43,00,000 ચૂકવ્યા ન હતા. જનકભાઈએ તેનો સંપર્ક કરતા તેનો ફોન બંધ આવ્યો હતો અને વડોદરા સ્થિત તેની ઓફિસ પણ બંધ હતી. છેલ્લે, 31 મે, 2024ના રોજ ગગનદીપે ફોન પર પૈસા પરત આપવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ ત્યારથી તે ફરાર છે.
કર્મચારી પણ માહિતી છુપાવતો હોવાનો આરોપ
જનકભાઈએ ગગનદીપની ઓફિસમાં કામ કરતા સોનસિંઘવર હંબીરસિંહ ઉર્ફે વિરજી નામના કર્મચારી પર પણ આરોપ લગાવ્યો છે. વિરજીએ રૂ.2,73,00,000 પરત અપાવવાનું આશ્વાસન આપીને કાનૂની કાર્યવાહી ન કરવા માટે જણાવ્યું હતું, તેમ છતાં તેણે ગગનદીપ ક્યાં છે તેની માહિતી આપી ન હતી. આખરે આ મામલે CID ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.