ગાંધીનગરના સેક્ટર 14થી 29માં પ્રથમ દિવસે 40 લાખ લિટર પાણીનું વિતરણ, આવતીકાલે પ્રેશર બમણું કરાશે

Spread the love

 

ગાંધીનગરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 24 કલાક પાણી પૂરું પાડવાની યોજનાનો ટ્રાયલ રન મંગળવારે સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. રૂ.281 કરોડના ખર્ચે શરૂ થયેલી આ યોજના હેઠળ સેક્ટર 14થી 29માં નવી પાઇપલાઇન દ્વારા પાણી વિતરણ કરવામાં આવ્યું હતું.

આજે મંગળવારે સવારે 10 વાગ્યે ચરેડી વોટર સ્ટેશન ખાતે પૂજાવિધિ સાથે ટ્રાયલ રનનો પ્રારંભ થયો. પ્રથમ દિવસે પ્રતિ કલાક 5 લાખ લિટર પાણી છોડવામાં આવ્યું હતું.

દિવસ દરમિયાન કુલ 40 લાખ લિટર પાણીનું વિતરણ થયું. જ્યારે 45 જેટલી નાની લિકેજની ફરિયાદોનો સાંજ સુધીમાં નિકાલ કરાયો છે. કાલે બુધવારે પાણીનું પ્રેશર વધારીને પ્રતિ કલાક 10 લાખ લિટર કરાશે. ગુરુવારે 120 લાખ લિટર અને શુક્રવારે 160 લાખ લિટર સુધી વધારવામાં આવશે. સંપૂર્ણ પ્રેશરથી તે ત્રીજા-ચોથા માળ સુધી પહોંચશે તેવો દાવો પણ તંત્રનો છે.

ચરેડી પમ્પિંગ સ્ટેશન પર સ્કાડા ટેકનોલોજી આધારિત 10 પ્રેશર પંપ કાર્યરત છે. આ પંપ માગ મુજબ આપોઆપ ચાલુ-બંધ થશે. ફરિયાદોના નિવારણ માટે સેક્ટર દીઠ 15 કર્મચારીઓની ટીમ તહેનાત કરવામાં આવી છે. દરેક સેક્ટર માટે હેલ્પલાઇન નંબર અને કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી ફરિયાદોનો ત્વરિત નિકાલ કરી શકાય.​

આ યોજના માટે શહેરમાં 300 કિલોમીટરથી વધુનું પાઇપલાઇન નેટવર્ક પાથરવામાં આવ્યું છે, જેમાં 30 કિલોમીટરની મુખ્ય લાઇન અને 234 કિલોમીટરની વિતરણ લાઇનનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં સેક્ટર 18 અને 19 સિવાયના સેક્ટરોમાં 9,000 કનેક્શન આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *