ગુજરાતમાં 2 વર્ષમાં 10 મોટા કૉન્સર્ટ થશે… ગુજરાત સરકાર ટૂંક સમયમાં એમઓયુ કરશે

Spread the love

 

 

ગુજરાતમાં આવનારાં દસ વર્ષમાં મોટી કોન્સર્ટનો રાફડો ફાટશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને સરકારના ત્રણ અધિકારીઓનું એક પ્રતિનિધીમંડળ હમણાં જ બ્રિટન જઇને પરત આવ્યું છે. આ દરમિયાન તેઓએ વિશ્વની મોટી કોન્સર્ટનું આયોજન કરતી ઇવેન્ટ કંપનીઓ સાથે પણ મુલાકાત કરી હતી. આગામી સમયમાં આ પૈકીની કેટલીક કંપનીઓ ગુજરાત સરકાર સાથે એમઓયુ કરવા જઇ રહી છે. તે પછી ગુજરાતમાં અલગ-અલગ જગ્યાઓ પર બે વર્ષની અંદર દસ કે તેથી વધુ કોન્સર્ટ યોજાશે, જેમાં જસ્ટીન બીબર, ટેલર સ્વિફ્ટ જેવા આંતરરાષ્ટ્રીય કલાકારો ગુજરાતમાં પરફોર્મ કરશે.

ગુજરાત સરકારના સૂત્રો જણાવે છે કે, હવે ગુજરાત સરકાર કોન્સર્ટ ઇકોનોમિ પર ધ્યાન કેન્દ્રિત કરવા જઇ રહી છે. અગાઉ ગુજરાતમાં કોલ્ડ પ્લે જેવા ગ્રુપના કોન્સર્ટના સફળ આયોજન બાદ હવે અન્ય કોન્સર્ટના આયોજન અંગે પણ ગંભીરતાથી વિચારણા થઇ રહી છે. બ્રિટનના અલગ અલગ ગ્રુપ્સ સાથે આ અંગે વિગતવાર ચર્ચા થઇ છે અને અમે તેને લઇને જે આર્થિક મોડલ ઊભું થઇ શકે તેની વિચારણા કરી રહ્યા છીએ.

આવી ઇવેન્ટના આયોજન પાછળ ગુજરાત સરકારને કોઇ મોટો ખર્ચ કરવાનો રહેતો નથી. આવી એક ઇવેન્ટ પાછળ લગભગ 25થી 50 કરોડનો ખર્ચ થાય છે, પરંતુ તેમાંથી આવક 200 કરોડ જેટલી થાય છે. આ આયોજન દરમિયાન ગુજરાત સરકારે માત્ર સ્થળ, પોલીસ બંદોબસ્ત અને બાકીની લોજિસ્ટિક સુવિધા જ પૂરી પાડવાની રહે છે, જ્યારે દરેક ઇવેન્ટને કારણે સર્વિસ ટેક્સ અને જીએસટી સહિતની આવક સરકારને મળશે.

ગુજરાતની કનેક્ટિવિટી આશીર્વાદરૂપ, અન્ય સ્થળો કરતાં વધુ આદર્શ
ગુજરાતમાં હાલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હવાઇ સેવા, રેલવે અને આગામી સમયમાં બુલેટ ટ્રેઇન જેવી યાતાયાત સુવિધાઓ આવી ઇવેન્ટના આયોજન માટે મુખ્યબિંદુ બનશે. દેશના કોઇપણ ખૂણેથી ગુજરાત આવી શકાય તેવી કનેક્ટિવિટી છે તે જોતાં મોટી કોન્સર્ટ એશિયાઇ ઉપખંડના દેશો પૈકી ભારત અને ભારતમાં પણ ગુજરાતમાં યોજાય તે રીતેના વ્યૂહાત્મક આયોજન કરાશે.

કોન્સર્ટ માટે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડનગર મોકાના સ્થળ બનશે
અત્યાર સુધી કોલ્ડ પ્લે, નમસ્તે ટ્રમ્પ અને ક્રિકેટ મેચ જેવી ઇવેન્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઇ છે. એટલે સ્ટેડિયમ એક મોકાના વેન્યુ તરીકે ઉપલબ્ધ છે. આ સાથે અમદાવાદમાં રિવરફ્રન્ટ, ગાંધીનગરમાં ગિફ્ટ સિટી, મહાત્મા મંદિર, સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ, વડનગર સહિતના સ્થળો પર પણ મોટી આંતરરાષ્ટ્રીય કોન્સર્ટ યોજી શકાય તેવી સુવિધાઓ ઊભી કરાશે.

36% પ્રેક્ષકો કોલ્ડપ્લે પહેલાં અને બાદમાં અમદાવાદના વિવિધ સ્થળોએ ફર્યાં હતાં
અમદાવાદમાં 25-26 જાન્યુઆરીએ યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટથી ઇકોનોમીમાં 641 કરોડ રૂપિયા ઉમેરાયા હતા. ઇન્ડિયા રાઇઝિંગ કોન્સર્ટ ઇકોનોમી રિપોર્ટ મુજબ, આ કોન્સર્ટથી એકલા અમદાવાદને ઇકોનોમીમાં સીધો 392 કરોડ બુસ્ટર ડોઝ મળ્યો હતો. હોટેલ, ટ્રાન્સપોર્ટ, ડાઇનિંગ, રિટેલ, લોકલ ટ્રાવેલ, શોપિંગ જેવા ક્ષેત્રોમાં સૌથી વધુ ખર્ચ થયો હતો. સરકારને 72 કરોડની આવક જીએસટી સ્વરૂપે થઇ હતી.

ટિકિટ 500ની અન્ય વસ્તુ પર 2900 ખર્ચ
બુકમાય શૉએ અમદાવાદ કોલ્ડપ્લેના સરવે મુજબ, ટિકિટ પર ખર્ચવામાં આવેલા દર 100 રૂપિયા માટે પ્રેક્ષકે હોસ્પિટાલિટી, ટ્રાવેલ, લોકલ શોપિંગ, ભોજન પર વધારાનો 585 ખર્ચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *