
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24 એના 25 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના બે દિવસના પ્રવાસે આવવાના છે આ દરમિયાન તેઓ ગાંધીનગર પણ આવશે ત્યારે એરપોર્ટથી ગાંધીનગરના રૂટ પર દબાણો હટાવવાની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. મંગળવારે ભાટ સર્કલથી કોબા સર્કલ સુધીના રસ્તાની બંને તરફ ઉભા થઇ ગયેલા લારી- ગલ્લા અને ઝુંપડાના 75થી વધુ દબાણો હટાવી દેવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મીએ ગાંધીનગરમાં રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે અને તેઓ અમદાવાદના નિકોલ ખાતે જાહેર સભાને પણ સંબોધવાના છે. આ માટે તેઓ રોડ માર્ગે નિકોલ પહોંચશે. જેથી એરપોર્ટથી ગાંધીનગર અને ગાંધીનગરથી રીંગ રોડ નિકોલ સુધીના રૂટમાં દબાણ દૂર કરવા અને સફાઇ સહિતની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
મહાનગરપાલિકાની દક્ષિણ ઝોન એસ્ટેટ શાખા દ્વારા કોબા સર્કલથી ભાટ સર્કલ અને ટોલ પ્લાઝા સુધીના માર્ગની બંને તરફ લારી ગલ્લાના દબાણ હટાવવામાં આવ્યા હતા તેમજ બંને તરફ ઉભા થઈ ગયેલા ઝુંપડાના દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા. મંગળવારે દિવસ દરમિયાન 25 જેટલા લારી ગલ્લા અને 50 જેટલા ઝુંપડાના દબાણ હટાવવામાં આવ્યા હતા. આ સમગ્ર રૂટ પર સફાઇ અને દબાણ ઉપરાંત રખડતા ઢોર પકડવાની કામગીરી પણ કરશે.