
ગાંધીનગરના ચિલોડા પોલીસ મથકમાં દાખલ થયેલા સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં પોક્સો કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે એક સગીર બાળકી પર બળાત્કાર ગુજારનાર આરોપીને 20 વર્ષની સખત કેદ અને 30 હજારનો દંડ ફટકાર્યો છે.
આરોપીએ સગીરા પર વારંવાર બળાત્કાર ગુજાર્યો
કેસની વિગતો મુજબ આરોપી પ્રવીણભાઈ જોઈતાભાઈ રાઠોડ (રહે. મીઠી પારડી ગામ, તા. દિયોદર, જી. બનાસકાંઠા) એ એક 14 વર્ષ અને 7 મહિનાની સગીર છોકરીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ 12 જાન્યુઆરી 2023ની રાત્રે તે સગીરાને મગોડી ગામથી ભગાડીને ભચાઉ લઈ ગયો હતો. ત્યાં સગીરા સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના બાદ 21 જાન્યુઆરી 2023ના રોજ ભોગ બનનાર બાળકીની માતાએ ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની ફટકારી
પોલીસે તપાસ પૂર્ણ કરીને આ કેસની ચાર્જશીટ ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રજૂ કરી હતી. આ કેસ એડી. સેશન્સ જજ જે. એન. ઠક્કરની કોર્ટમાં ચાલ્યો હતો. આ કેસમાં સરકારી વકીલ સુનિલ એસ. પંડ્યાએ કોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરેલી કે, આરોપીએ જાણીજોઈને એક સગીર બાળકી પર બળાત્કાર જેવો ગંભીર ગુનો કર્યો છે. સમાજમાં આવા ગુનાઓ વધતા જાય છે, તેથી આવા આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ જેથી સમાજમાં દાખલો બેસે અને બીજા ગુનેગારો આવા કૃત્યો કરતા અટકે. જે દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદ અને 30 હજારનો દંડ ફટકાર્યો છે.