
વર્ષમાં ત્રણ વખત ખેતી કરી શકાય તેવી ફળદ્રુપ જમીનને ભારતમાલા પ્રોજેક્ટમાં લઇ લેવામાં આવતા ખેડુતોની રોજીરોટી છીનવાઇ રહી હોય તેવી સ્થિતિ ઉભી થતાં ખેડુતોમાં નારાજગી ઉઠી રહી છે. ત્યારે ભારતમાલા પ્રોજેક્ટમાં જતી જમીનનો ભાવ સરકારના જંત્રી મુજબ પ્રતિ વીઘે રૂપિયા 4.34 લાખથી રૂપિયા 76.96 લાખનો ભાવ આપવાની વાતો કરવામાં આવે છે. આથી જમીન ગુમાવ્યા બાદ ખેડુતોને પરિવારના ગુજરાન માટે રજળપાટ જેવી સ્થિતિ બની રહે નહી તે માટે જંત્રી મુજબ નહી પરંતું બજાર ભાવ મુજબ જમીનના ભાવ આપવાની માંગણી સાથે અસરગ્રસ્ત ખેડુતોએ ખાસ જમીન સંપાદન અધિકારીને આવેદનપત્ર આપ્યું છે.
ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદથી અમદાવાદ સુધી સિક્સલેન રોડ બનાવવા માટે વર્ષમાં ત્રણ ત્રણ પાક લઇ શકાય તેવી ફળદ્રુપ જિલ્લાની જમીન તેમાં સંપાદન કરવામાં આવતા ખેડુતોમાં નારાજગી ઉઠી રહી છે. ખેતીના આધારે પરિવારનું ગુજરાન કરતા ખેડુતોની ફળદ્રુપ જમીન ભારતમાલા પ્રોજેક્ટમાં લઇ લેવાથી ખેડુતોને આર્થિક રીતે પાયમાલ કરી દેવામાં આવશે. જેનાથી ખેડુતોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું સાત કોઠા વિંધવા જેવી આર્થિક પરિસ્થિતિ ઉભી થવાની શક્યાતે ખેડુતોએ વ્યક્ત કરી છે.
ત્યારે ભારતમાલા પ્રોજેકટમાં જમીન સંપાદન કરવી હોય તો રાજ્ય સરકારની જંત્રી મુજબ નાણાં આપવાને બદલે બજાર ભાવ મુજબ ભાવ ખેડુતોને આપવામાં આવે તો તેમાંથી પોતાના પરિવારના ગુજરાન માટે અન્ય કોઇ વ્યવસાય કે રોજગારી ખેડુતો કરી શકે તેવી માંગણી ભારતમાલા પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડુતોએ કરી છે. જોકે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ખેડુતોની જમીન સંપાદન કરવાના મામલે અસરગ્રસ્ત ખેડુતોએ જિલ્લાના મુખ્ય જમીન સંપાદન અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. આવેદન પત્રમાં કરાયેલા ઉલ્લેખ મુજબ ભારતમાલા પ્રોજેક્ટ માટે જમીન સંપાદન માટે જમીન મૂલ્યાંકન સમિતિની રચના કરવામાં આવી છે.
સમિતિ દ્વારા ખેડુતોને સરકારની નવી જંત્રી મુજબ પ્રતિ વિઘે સરેરાશ વળતર રૂપિયા 434000થી રૂપિયા 7696000 જેટલી નક્કી કરવામાં આવી છે. ખેડુતોની જમીની આટલી ઓછી કિંમત કરવાથી ખેડુતોને પરિવારનું ગુજરાન ચલાવવું કપરૂ બની રહેશે. જો ખેડુતોને જમીનની કિંમત આપવી હોય તો બજાર ભાવે આપવાની માંગણી કરી છે. તેમાં બજાર ભાવ પ્રતિ વિઘે રૂપિયા 2 થી રૂપિયા 6 કરોડનો ભાવ હોવાથી તે ભાવે જમીનની કિંમત આપવામાં આવે તેવી માંગણી અસરગ્રસ્ત ખેડુતોએ કરી છે.
વધુમાં ભારતમાલા પ્રોજેક્ટ માટે બનાવવામાં આવનાર સિક્સલેન રોડની સમાંતર સર્વિસ રોડ બનાવવામાં આવે જેથી ખેડુતોને પોતાના ખેતરમાં જવા માટે ટોલ આપવાથી લઇને અવર જવરમાં હાલાકી પડે નહી તેવી માંગણી કરી છે. વધુમાં ભારતમાલા પ્રોજેક્ટમાં જતી જમીનના બે ભાગ થાય તો તે મુજબ તેનો ભાવ નક્કી કરીને તેની કિંમત ખેડુતોને આપવાની પણ માંગણી સાથે ભારતમાલા પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડુતોએ આવેદનપત્ર આપ્યું છે.