
ઉવારસદ-વાવોલ રોડ ઉપર આવેલી ગેરેજનુ તાળુ તોડી અંદર મુકવામાં આવેલા સામાનની ચોરી કરી હતી. દુકાનનો કારીગર બે દિવસની રજા બાદ ગેરેજ ઉપર આવતા દુકાનનુ શટર તુટેલુ જોવા મળ્યુ હતુ. જેમાં અંદર જઇ તપાસ કરતા ગાડીઓમાં વપરાતા અલગ અલગ પાર્ટ્સ મળી 1.75 લાખનો સામાન ગાયબ જોવા મળ્યો હતો. જેથી અડાલજ પોલીસ મથકમાં ઘરફોડનો ગુનો નોંધાવ્યો હતો. મળતી માહિતી મુજબ વિશાલભાઇ અનિલકુમાર શાહ (શેલા, અમદાવાદ) ગાંધીનગરના ઉવારસદ-વાવોલ રોડ ઉપર આવેલા એક પેટ્રોલપંપ પાસે ગેરેજ ધરાવે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, ગત 16 ઓગસ્ટના રોજ પાંચ વાગ્યાના અરસામાં ગેરેજ બંધ કરીને ઘરે ગયા હતા, ત્યારબાદ બીજા દિવસે રવિવાર હોવાથી ગેરેજમાં રજા હતી અને ત્રીજા દિવસે ગેરેજમાં કામ કરતો કારીગર ઝહીર ખોખર (ફતેહવાડી, અમદાવાદ) ગેરેજ ઉપર નિયત સમયે આવ્યો હતો. તે સમયે તેને ગેરેજનુ તાળુ તુટેલુ જોતા ફોન કરવામાં આવ્યો હતો કે, ગેરેજનુ તાળુ તુટેલુ છે અને ચોરી થઇ હોય તેવુ જોવા મળી રહ્યુ છે. જેથી ગેરેજના માલિક અમદાવાદના ઘરેથી ગેરેજ ઉપર આવ્યા હતા અને ગેરેજની અંદર પ્રવેશી તપાસ કરતા લોડીંગ ગાડીઓમાં લગાવવામાં આવતા બેલ ક્રેન્ટ પાર્ટ્સ, ચેચીસ જેક, બ્રાકેટ હેવી પાર્ટ્સ, ગાડીઓના પાટા, લોખંડનો ભંગાર, ઇલેક્ટ્રીક કટર મશીન, હાઇડ્રોલીક જેક સહિત 1.75 લાખની કિંમતનો સામાનની ચોરી કરી અજાણ્યા તસ્કરો પલાયન થઇ ગયા હતા. જેથી ગેરેજના માલિકે અડાલજ પોલીસ મથકમાં ઘરફોડની ફરિયાદ નોંધાવી હતી.