
સાદરાના કલ્યાણપુરા ગામમાં રહેતા આશરે 40 વર્ષિય યુવકે તેની પત્ની સાથે છુટાછેડા લીધા બાદ ગામમાં રહેતી વિધવા મહિલા સાથે પ્રેમ થઇ ગયા પછી લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ ગામ છોડીને અન્ય જગ્યાએ રહેવા ગયો હતો. જ્યારે બે દિવસ પહેલા તેની માતાને મળવા આવતા મહિલાના પરિવારજનોને ખબર પડતા હાથમાં ધોકા અને લાકડી અને પાઇપ લઇ મારવા આવ્યા હતા. ત્યારબાદ બાઇક સહિતને નુકશાન કરી માતાને ઇટ મારી હતી.
જેથી 9 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ દિલીપકુમાર પ્રતાપજી ચૌહાણ (હાલ રહે, નાંદોલ, દહેગામ. મૂળ રહે, કલ્યાણપુરા, સાદરા) યુવક હાલમાં કડીયાકામ કરી પરિવારનુ ગુજરાન ચલાવી રહ્યો છે. ત્યારે તેની પહેલી પત્ની સાથે મનમેળ નહિ આવતા 20 વર્ષ પહેલા છુટાછેડા લઇ લીધા હતા. ત્યારબાદ કલ્યાણપુરામાં રહેતી વિધવા મહિલા હેતલબેન સાથે પ્રેમ થતા લગ્ન કરી લીધા હતા. જોકે, આ બાબત હેતલબેનના સાસરિયાને પસંદ આવી ન હતી. જેથી યુવક તેનુ ગામ છોડી તેની પત્ની સાથે નાંદોલમાં રહેવા જતો રહ્યો હતો.
જ્યારે ગત 15 ઓગસ્ટના રોજ યુવક તેની માતાના ખબર અંતર પૂછવા આવ્યો હતો. તે સમયે તેની પત્નીના સાસરિયાને ખબર પડતા હાથમાં ધોકો લઇને કિરણજી અમરતજી ચૌહાણ, લોખંડની કુહાડી લઇને દશરથ નાથુજી ચૌહાણ, લાકડાનો ધોકો લઇને બળવંતસિંહ નાથુજી ચૌહાણ, મંગાજી નાથુજી ચૌહાણ, હાથમાં ઇંટોના ટુકડા લઇ વનરાજસિંહ દશરથજી ચૌહાણ, સિદ્ધરાજસિંહ દશરથજી ચૌહાણ, રાજુજી નાથુજી ચૌહાણ, ધુળીબેન નાથુજી ચૌહાણ અને કાળીબેન દશરથજી ચૌહાણ યુવક ઉપર હુમલો કરવા આવી ગયા હતા. તે સમયે યુવકને ખબર પડી જતા તેના ઘરમાં જતો રહ્યો હતો અને દરવાજો બંધ કરી પોલીસને ફોન કર્યો હતો. પરંતુ આરોપીઓએ જતા પહેલા યુવકના બાઇકને નુકશાન કર્યુ હતુ અને તેની માતાને માર માર્યો હતો. જેથી ચિલોડા પોલીસ મથકમાં 9 આરોપીઓ સામે ગુનો નોંધાવતા વધુ તપાસ હાથ ધરી છે.