વિકસિત ભારતની તૈયારીઃ અમિત શાહ અને રાજનાથ સિંહ બ્લુ પ્રિન્ટ બનાવશે

નવી દિલ્હી
કેન્દ્ર સરકારે આર્થિક અને સામાજિક ક્ષેત્રોમાં સુધારા સૂચવવા માટે કેન્દ્રીય ગૃહમત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં બે નવા અનૌપચારિક મત્રી જૂથોની રચના કરી છે. અમિત શાહને અર્થતંત્ર ક્ષેત્રની જવાબદારી સોંપવામાં આવી છે. આ જૂથમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વાણિજય અને ઉધોગ મંત્રી પીયૂષ ગોયલ સહિત ૧૩ સભ્યો છે, જયારે રેલ્વે, માહિતી અને પ્રસારણ અને ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ તેના કન્વીનર છે. આ જૂથ નાણા, ઉધોગ, વાણિજ્ય માળખાગત સુવિધા, લોજિસ્ટિક્સ, સંસાધનો, વિજ્ઞાન અને ટેકનોલોજી અને શાસન સહિત ટેકનોલોજી અને આર્થિક ક્ષેત્રોમાં કાયદાકીય અને નીતિગત સુધારા એજન્ડા તૈયાર
કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
જયારે સામાજિક કલ્યાણ અને સુરક્ષા ક્ષેત્રો પર રચાયેલા બીજા ૧૮ સભ્યોના જૂથનું નેતૃત્વ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કરશે. આ જૂથ શિક્ષણ, આરોગ્યસંભાળ, સંરક્ષણ, કૌશલ્ય વિકાસ, સામાજિક કલ્યાણ, આવાસ, શ્રમ, જાહેર આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં સુધારાની શક્યતાઓ પર ચર્ચા કરશે. આ જૂથમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી, કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને શ્રમ અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાને કન્વીનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ જૂથોની રચના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણ પછી કરવામાં આવી છે, જ્યાં તેમણે તેમના ભાષણમાં આગામી પેઢીના સુધારાઓની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને એક ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે હાલના નિયમો, કાયદાઓ, નીતિઓ અને પ્રક્રિયાઓને ૨૧મી સદી અનુસાર, વૈશ્વિક વાતાવરણ અને ૨૦૪૭સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વિઝન અનુસાર કરીથી ડિઝાઈન કરવી જોઈએ. આ બંને જૂથોને મહિનામાં એકવાર રિપોર્ટ સભમિટ કરવા અને ત્રણ મહિનાના અંતે સુધારા રોડમેપ સબમિટ કરવા કહેવામાં આવ્યું છે. આ માટે, નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ દ્વારા પણ સહાય પૂરી પાડવામાં આવશે.