અમદાવાદના બોડકદેવમાં રહેતા બોટાદના પૂર્વ એડિશનલ કલેક્ટર ભગવાનભાઈ વિરાણી સાથે કરોડોની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે ઇન્ફોસિટી પોલીસે આયુષી કન્સ્ટ્રક્શનના બિલ્ડર મનજીભાઈ વેકરિયા સહિત ત્રણ બિલ્ડરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બંનેને પાર્ટનરશીપની ઓફર કરી સારા નફાની લાલચ પ્રોજેક્ટમાં રોકાણ કરવાનું કહ્યું
બોડકદેવમાં રહેતા બોટાદના પૂર્વ એડિશનલ કલેક્ટર ભગવાનભાઈ વિરાણી 2018માં નિવૃત્ત થયા હતા. જેઓ પોતાની વય નિવૃત્તિ સમયના અને બચતના પૈસાનું રોકાણ કરવા માંગતા હતા. આ દરમિયાન તેમને જીતેન્દ્ર ધીરજલાલ પટેલ નામના વ્યક્તિ સાથે પરિચય થયો હતો. જીતેન્દ્રભાઈના મિત્ર મનજીભાઈ વેકરિયા આયુષી કન્સ્ટ્રક્શનના નામે બાંધકામનો ધંધો કરે છે. જેણે બંનેને પાર્ટનરશીપની ઓફર કરી સારા નફાની લાલચ આપીને કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં રોકાણ કરવાનું કહ્યું હતું.
જેના પગલે ભગવાનભાઈ અને રાજેશભાઈ પારસિયાને 30% અને જીતેન્દ્રભાઈને 10% ભાગીદારી આપવાનું નક્કી થયું હતું. જેથી, પૂર્વ એડિશનલ કલેકટર ભગવાનભાઈએ પોતાના અને સંબંધીઓના મળીને કુલ 2.35 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.જ્યારે જીતેન્દ્રભાઈએ 30 લાખનું રોકાણ કર્યું હતું . જોકે, રાજેશભાઈ થોડા સમયમાં જ છૂટ્ટા થઈ ગયા હતા.
માત્ર બે ચેક ક્લિયર થયા અને એક ચેક રિટર્ન થયો
બાદમાં બિલ્ડર મનજીભાઈએ ગાંધીનગરના કુડાસણમાં ‘લાભવર્ધન પ્રોજેક્ટ’ નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જોકે, એક વર્ષથી વધુ સમય વીતી ગયા પછી પણ મનજીભાઈએ રોકાણ કે નફાનો કોઈ હિસાબ આપ્યો નહોતો. આથી, ભાગીદારોએ હિસાબની માંગણી કરી હતી. એટલે તેમને રોકાણ પાછું લઈને ભાગીદારીમાંથી છૂટા થવાની ફરજ પાડવામાં આવી હતી. જે માટે પ્રોજેક્ટના બિલ્ડર મનુભાઈ લક્ષ્મણભાઈ રાવળ અને ભરતભાઈ લક્ષ્મણભાઈ રાવળ (બંને રહે- સેક્ટર-5B) તથા મનજીભાઈ વેકરીયા સાથે મિટિંગ થઈ હતી. અને હિસાબના અંતે કુલ રોકાણ સામે રૂ.1,13,80,500ના બદલામાં લાભવર્ધન કોમ્પ્લેક્સમાં આવેલી એક દુકાન આપવાનું નક્કી થયું હતું . જ્યારે બાકીના 90 લાખ માટે ભગવાનભાઈને કુલ 15 – 15 લાખના છ ચેક અને જીતેન્દ્રભાઈને કુલ 5 -5 લાખના છ ચેક આપ્યા હતા. પરંતુ આ ચેકમાંથી માત્ર બે ચેક ક્લિયર થયા અને એક ચેક રિટર્ન થયો હતો.
જયારે જીતેન્દ્રભાઈના પાંચ ચેક ક્લિયર થયા હતાં.
આથી મનજીભાઈએ બિલ્ડર મનુભાઈ સાથે ભગવાનભાઈની મુલાકાત કરાવી બાકીના ચેક પાછા લઈ રોકડ રકમ આપવાનો વિશ્વાસ આપ્યો હતો. જે વિશ્વાસમાં આવીને ભગવાનભાઈએ 15-15 લાખના કુલ ચાર ચેક પાછા આપી દીધા હતા પરંતુ, આજદિન સુધી બંનેને કુલ 65 લાખ મળ્યા નથી. જ્યારે જે દુકાન
આપવાની વાત થયેલી તે અન્ય કોઈના નામનો બાનાખત કરી દેવાયો છે. આ સમગ્ર છેતરપિંડી મામલે ઈન્ફોસિટી પોલીસ મથકમાં ત્રણે બિલ્ડરો વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.