
ગોંડલના મોવિયા રોડ પર રૂપાવટી નદીના પુલ નજીક નર્મદા પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. ભાદર ડેમ તરફ જતી આ મુખ્ય લાઇનમાં ધડાકાભેર ભંગાણ સર્જાતાં 50 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઊડ્યા હતા, જે સ્થાનિકો માટે કુતૂહલનું કેન્દ્ર બન્યા હતા.
ઘટનાની જાણ થતાં જ પાણીપુરવઠા વિભાગની રિપેરિંગ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. અધિકારીઓએ મુખ્ય લાઇનમાં પાણીનો પ્રવાહ બંધ કરી દીધો હતો, જોકે પાઇપલાઇનમાં પહેલાંથી જ રહેલો પાણીનો જથ્થો ખાલી ન થાય ત્યાં સુધી પાણીનો પ્રવાહ ચાલુ રહેવાની શક્યતા છે. સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે અને લાઇનને વહેલી તકે પૂર્વવત્ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
આ ઘટના રાજુભાઈ વેકરિયાની વાડી પાસેથી પસાર થતી લાઇનમાં બની હતી. એક તરફ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને વરસાદી માહોલ છે, ત્યારે બીજી તરફ પાઇપલાઇન તૂટવાથી પાણીનો મોટો જથ્થો આસપાસનાં ખેતરો અને વાડી-ખેતરો તરફ જવાના રસ્તાઓ પર ભરાઈ ગયો હતો, જેના કારણે સ્થાનિક ખેડૂતો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સૌની યોજનાના લિંક-3ના સાવન શેખડાએ ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આ સૌની યોજના લિંક 3ની પાઇપલાઈન છે, જે વર્ષ 2022થી 2023માં લાઈન નાખવામાં આવી છે. પાણીના પ્રેશરને કારણે બટરફલાય વાલ્વ બાયપાસ લીકેજ થયો છે. આ સૌની યોજનાની નર્મદાની લાઈન ગુંદાસરા ગામ પાસેથી ભાદર ડેમ- 1 સુધી લંબાવવામાં આવી છે. આ લાઈન આશરે 33 કિલોમીટરમાં પથરાયેલી છે અને લાઈનનું મોઢું અઢી મીટરનું છે.