જાફરાબાદ બંદરથી 18 નોટિકલ માઇલ દૂર ત્રણ બોટે જળસમાધિ લીધી

Spread the love

 

 

આજથી 6 દિવસ પહેલાં અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ અને ભારે પવન સાથે દરિયો તોફાની બન્યો હતો, જેથી જાફરાબાદ બંદરથી 18 નોટિકલ માઇલ દૂર ત્રણ બોટે જળસમાધિ લીધી હતી. એમાં 11 માછીમાર લાપતા થયા હતા. એમાંથી બે માછીમારના મૃતદેહો મળ્યા હતી. લાપતા થયેલા 9 માછીમારને શોધવા તોફાની દરિયામાં કોસ્ટગાર્ડની ટીમે દિલધડક સર્ચ-ઓપરેશન હાથ ધર્યું છે. ટીમે દરિયો ખૂંદી નાખ્યો છે, જોકે હજુ સુધી માછીમારોની કોઈ ભાળ મળી નથી.
19 ઓગસ્ટના રોજ જાફરાબાદથી 18 નોટિકલ માઇલ દૂર જાફરાબાદની જયશ્રી તાત્કાલિક અને ગીર સોમનાથ જિલ્લાના રાજપરાની મુરલીધર બોટ તેમજ એક દેવકી નામની બોટ મળી કુલ 3 બોટ ડૂબી હતી, જે ત્રણેયમાં 28 માછીમાર સવાર હતા, જેમાંથી 17ને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 11 માછીમારની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડ ટીમે ત્રણ દિવસ પહેલાં 2 મૃતદેહ શોધી કાઢ્યા હતા. મૃતદેહને જાફરાબાદ લાવી અંતિમવિધિ કરવામાં આવી હતી.
બાકી રહેલા 9 માછીમારની શોધખોળ માટે કોસ્ટગાર્ડે સર્ચ-ઓપરેશન શરૂ કર્યું છે. શોધખોળમાં બે શિપ અને 4 હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલ દરિયો તોફાની છે છતાં કોસ્ટગાર્ડની ટીમ 22 નોટિકલ માઈલ સુધી શોધખોળ કરી રહી છે.
દરિયામાં મોટાં મોજાં ઊછળી રહ્યાં છે. જહાજ સાથે મોજાં ટકરાઈ રહ્યાં છે. આવી વિપરીત પરિસ્થિતિમાં પણ કોસ્ટગાર્ડની ટીમ રાત-દિવસ શોધખોળ કરી રહી છે. માછીમારોની બોટ જ્યાં ડૂબી એ સ્થળે ટીમ પહોંચી ગઈ છે. જાફરાબાદ રાજપરાના માછીમાર પરિવારો ચિંતાતુર બન્યા છે. પીપાવાવ અને પોરબંદર કોસ્ટગાર્ડની ટીમ લાપતા ખલાસીઓને ઝડપથી શોધવા પ્રયાસ કરી રહી છે.
દરિયામાં ગુમ થયેલા 11 પૈકી બે માછીમારના મૃતદેહ ત્રણ દિવસ પહેલાં મળ્યા હતા. કોસ્ટગાર્ડનું ‘સજાગ’ નામનું જહાજ વિનોદ બારૈયા અને દિનેશ બારૈયા નામના માછીમારોના મૃતદેહ લઈ પીપાવાવ પોર્ટ પર પહોંચ્યું હતું. સન્માન સાથે બંને મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. મૃતદેહ પરિવારને સોંપાતાં પીપાવાવ પોર્ટ પર રોકકળ સાથે શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *