
સુરતના અમરોલીમાં રહેતા મૂળ બિહારી પરિવારના 3 વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરી ક્રૂર હત્યા કરવાના ચકચારી કેસમાં સુરત ક્રાઇમ બ્રાંચ અને અમરોલી પોલીસ મહારાષ્ટ્ર અને બિહારમાં દોડધામ કરી રહી છે. હત્યારો વિકાસ મૃતકની માતાનો મોબાઈલ લઈને ભાગી ગયો હતો. તે વારંવાર ફોન ચાલું બંધ કરી પોલીસને ચકરાવે ચઢાવી રહ્યો છે. આરોપી અગાઉ સાઉદી અરેબિયા કતાર અને કુવૈત જેવા દેશોમાં રહ્યો હોવાની માહિતી સામે આવી છે.
મળતી વિગતો પ્રમાણે, બિહારના સિવાન જિલ્લાના બરહન ગામના વતની રાજેન્દ્ર જીઉત શાહ હાલ દુબઈમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પત્ની દુર્ગાદેવી તેના સંતાનો પૈકી ખુશી (ઉ.વ. 8), અંકુશ (ઉ.વ. 5) અને ત્રણ વર્ષીય પુત્ર આકાશ ઉર્ફે આરવ સાથે ક્રિશ્નાનગર, ગણેશપુરા અમરોલી ખાતે બાળકોને અભ્યાસ કરવા અર્થે રહે છે. ગત સપ્તાહે બિહાર રહેતી દુર્ગાદેવીની મોટી બહેન રબડીદેવી બિનશુલદયાળ તેના પુત્ર વિકાસ (ઉ.વ. 26) સાથે રહેવા આવી હતી. 21 ઓગસ્ટે આરોપી વિકાસ તેના માસીયાઈ ભાઈ આકાશને રમાડવા બહાર લઇ ગયો હતો અને બાદમાં બંને ગાયબ થઇ ગયા હતા. વિકાસ તેની માસી દુર્ગાદેવીના પુત્ર આકાશ ઉર્ફે આરવ અને મોબાઈલ બંને લઇ ગયો હતો.
આ દરમિયાન મુંબઇ નજીકના થાણેના લોકમાન્ય તિલક રેલવે સ્ટેશને કૃષિનગર ટ્રેનમાં એસી કોચના શૌચાલયના ડસ્ટબિનમાંથી આકાશનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકે ગળામાં જે દોરો પહેર્યો હતો તેના વડે ટૂંપો આપી હત્યા કરી દીધી હતી. માસૂમની હત્યા કરી વિકાસ બિનશુલદયાલ શાહ (ઉ.વ. 26, રહે. કચહારી રોડ, સીજેએમ કોર્ટ, સિવાન, બિહાર) ભાગી છૂટયો હતો. ગંભીર આ ઘટનાની જાણ થતા જ અમરોલી અને ક્રાઈમ બ્રાંચની ટીમે મહારાષ્ટ્ર અને આરોપીના વતન બિહારમાં ધામા નાંખ્યા હતા.
આ દરમિયાન વિકાસ મૃતક આકાશની માતા દુર્ગાદેવીનો મોબાઇલ લઇ ભાગ્યો હોવાથી તેને કેન્દ્રમાં રાખી પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે, વિકાસ વારંવાર થોડા સમય માટે ફોન ચાલુ બંધ કરી દેતો હોવાથી પોલીસ ચકરાવે ચઢી છે. કુશીનગર ટ્રેન જ્યાં-જ્યાંથી પસાર થઇ તે રેલવે સ્ટેશનોના સીસીટીવી ફૂટેજ, લોકમાન્ય તિલક સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ફરતે તપાસ કેન્દ્રિત કરાઈ છે.
હાલ મૃતક આકાશનો પરિવાર આઘાતમાં હોવાથી પોલીસ સંપૂર્ણ રીતે પુછપરછ કરી શકી નથી. રબડી દેવી અને વિકાસ દુર્ગાદેવીના ઘરે રહેતા હતા અને સુરતમાં રહેવા ઇચ્છતા હતા. અહીં રહેવું હોય તો અલગ રૂમ રાખી લો અને કામધંધો પણ શોધી લો એવી ટકોર કરતા તેઓ વચ્ચે ઝઘડો પણ થયો હતો. જે સામાન્ય તકરારમાં વિકાસે માસૂમને મોતને ઘાટ ઉતારી દીધો હતો કે કેમ આ બાબત વિકાસના પકડાયા બાદ જ સ્પષ્ટ થશે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આરોપી શાતિર છે, એકલો એકલો જ રહેતો હતો, ભટકતો રહેતો હતો, કોઈ મિત્ર પણ નથી, આરોપી પાસે પોતાનો મોબાઈલ ફોન પણ નથી. હાલ તેની પાસે જે ફોન છે તે માસીનો છે. અમરોલી, ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિત કુલ પાંચ જેટલી ટીમ આરોપીની શોધખોળ કરી રહી છે, મુંબઈ, થાણે અને વતન બિહારમાં તપાસ કરવામાં આવી રહી છે. આરોપી સામે હજુ પણ કોઈ અગાઉના ગુના હોય એવું સામે આવ્યું નથી.