30 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી : ધરોઈ ડેમમાં પાણી છોડાતાં સાબરમતી કાંઠાનાં ગામોને એલર્ટ કરાયાં

Spread the love

 

 

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ, એટલે કે 30 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં દરિયાકાંઠે 40થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે, સાથે જ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. આજે સવારના 6થી 2 વાગ્યા સુધીમાં રાજ્યના 121 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં 2.24 ઈંચ અને સૌથી ઓછો મહીસાગરના ખાનપુરમાં 1 મિમી વરસાદ પડ્યો છે.
ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા 48 કલાક દરમિયાન મુશળધાર વરસાદ વરસ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના અનેક વિસ્તારો સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આવતીકાલે છૂટા-છવાયાં સ્થળોએ ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેને ધ્યાને લઈને રાજ્યના માછીમારોને આગામી 28 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના જણાવ્યા મુજબ, રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 84 ટકાથી વધુ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 3.90 ઈંચ, સાબરકાંઠાના ઈડરમાં 3.86 ઈંચ, તાપીના વ્યારામાં 3.54 ઈંચ તથા વડોદરા જિલ્લાના ડભોઈમાં 3.15 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં માત્ર 4 કલાકમાં જ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં તથા સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં 2.13 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
રાજ્યના ડેમની સ્થિતિ અંગે વાત કરીએ તો રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાં હાલ 2,83,431 MCFT જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમ હાલ 84 ટકાથી વધુ ભરાયો છે. સરદાર સરોવર સિવાયનાં રાજ્યનાં અન્ય 206 જળાશયમાં 4,36,135 MCFT જળસંગ્રહ થયો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 78.18 ટકા છે. રાજ્યમાં હાલ 69 ડેમ 100 ટકાથી વધુ અને 27 ડેમ 90 ટકાથી 100 ટકા ભરાતા કુલ 94 ડેમને હાઈ એલર્ટ, 27 ડેમ 80 ટકાથી 90 ટકા ભરાતાં એલર્ટ તથા 19 ડેમને વોર્નિંગ આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે (25 ઓગસ્ટ) સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 84 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના વિવિધ ઝોનમાં ચાલુ વર્ષે વરસેલા વરસાદની દૃષ્ટિએ અત્યારસુધીમાં સૌથી વધુ ઉત્તર ગુજરાત ઝોનમાં 87.43 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 86.41 ટકાથી વધુ, કચ્છ ઝોનમાં 85.08 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 83.51 ટકા તેમજ પૂર્વ મધ્ય ઝોનમાં સૌથી ઓછો 79.08 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
ચોમાસાની કોઈપણ સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા NDRFની 12 ટુકડી અને SDRFની 20 ટુકડી વિવિધ જિલ્લામાં ડિપ્લોય કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન આપાતકાલીન પરિસ્થિતિ ધરાવતાં સ્થળો ખાતેથી સુરક્ષાના ભાગરૂપે કુલ 5,191 નાગરિકનું સ્થળાંતર અને 966 નાગરિકને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *