જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પૂણેના આ ડોકટરને કૃપા અને ઉદારતાના દેવદૂત કહ્યા, જે છોકરીના જન્મ પર ફી લેતા નથી

Spread the love

 

કૌન બનેગા કરોડપતિમાં અમિતાભે ખાસ શોમાં પૂનાના ડો.ગણેશ રાખને આમંત્રિત કર્યા

 

વાસ્તવમાં, ડી પ્રશાંત નાયર નામનાં એક વ્યક્તિએ ડો.ગણેશ રાખની વાર્તા એક્સ પર એક પોસ્ટમાં શેર કરી હતી, જેને પાછળથી મહિન્દ્રાએ પણ રિપોસ્ટ કરી હતી. નાયરે પોતાની પોસ્ટમાં એક દૈનિક વેતન મજૂરનો અનુભવ વર્ણવ્યો હતો, જેની પત્નીને ડિલિવરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે માણસને ડર હતો કે પત્નીની ડિલિવરી જો સિઝેરિયન થશે તો તે માટે તેણે પોતાનું ઘર ગીરવે મૂકવું પડશે. બાળકનાં જન્મ બાદ તેણે આતુરતાથી ડોક્ટરને બાળકનાં લિંગ વિશે પૂછ્યું. આના પર ડોક્ટર ગણેશ રાખે કહ્યું, “તમારા ઘરે એક બાળકીનો જન્મ થયો છે. જ્યારે પિતાએ હોસ્પિટલનાં બિલ વિશે પૂછ્યું, ત્યારે ડો. રાખે કહ્યું, કે “જ્યારે દિકરીનો જન્મ થાય છે, ત્યારે હું કોઈ ફી લેતો નથી.” લાગણીવશ થઈને એ વ્યક્તિ પગે પડી અને તેને ભગવાન કહેવા લાગ્યો. નાયરે પોસ્ટમાં આગળ લખ્યું કે “પુણેમાં ડો.ગણેશ રાખ છેલ્લાં 10 વર્ષથી આ જ કામ કરી રહ્યાં છે. બાળકી જન્મે તો તેઓ એક પૈસો પણ લેતા નથી. અત્યાર સુધી તે 1000થી વધુ બાળકીઓને આ દુનિયામાં વગર ફીએ લાવી ચૂક્યાં છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “ડો. રાખની ’સેવ ધ ગર્લ ચાઇલ્ડ’ પહેલે સીમાઓને ઓળંગીને સમગ્ર વિશ્વમાં પરિવર્તનને પ્રેરિત કર્યું છે. ડોક્ટર, તમને આશીર્વાદ મળે!”

મહિન્દ્રાએ પણ પોતાનો અનુભવ શેર કર્યો હતો :-
નાયરની પોસ્ટ શેર કરતાં મહિન્દ્રાએ કહ્યું, “બે પુત્રીઓના પિતા હોવાને કારણે, હું બે ગણાથી વધુ જાણું છું કે જ્યારે તમારા ઘરમાં કોઈ દિકરીનો જન્મ થાય છે ત્યારે કેવું લાગે છે. પણ આ ડોક્ટર પણ દેવદૂત છે. કૃપા અને ઉદારતાના દૂત. પ્રેરણાસ્ત્રોત તરીકે ડો.ગણેશ રાખને ટાંકીને, મહિન્દ્રાએ તેમનાં ચાહકો માટે એક સંદેશ પણ શેર કર્યો હતો, તેમણે લખ્યું કે “આ પોસ્ટ મને યાદ અપાવે છે કે તમારા લક્ષ્યો અને તમારું કાર્ય તમારા સમુદાય પર કેવી રીતે સકારાત્મક અસર કરે છે.” આનંદ મહિન્દ્રાની આ પોસ્ટ વાયરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સે ડો.રાખનો તેમનાં પ્રયત્નો બદલ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, “એન્જલ્સ દરેક સ્વરૂપમાં આવે છે. ”

કોણ છે ડોક્ટર રાખ ? :-
ડો. ગણેશ રાખ મહારાષ્ટ્રનાં પુણેના હડપસર વિસ્તારમાં એક હોસ્પિટલ ચલાવે છે, જેનું અનોખું મિશન વધુમાં વધુ છોકરીઓને બચાવવાનું છે. ડો.રાખે જ્યારથી હોસ્પિટલ ખોલી છે ત્યારથી તેમણે અને તેમની ટીમે દીકરીઓની ડિલિવરી પર કોઈ ફી લીધી નથી. એક ઈન્ટરવ્યૂમાં ડોક્ટર રાખ કહે છે, કે “ડોક્ટર માટે સૌથી મોટો પડકાર એ હોય છે કે તે દર્દીનાં મોત વિશે પરિવારને જાણ કરે. જ્યારે મારે તેમને કહેવું પડતું કે એક છોકરીનો જન્મ થયો છે. ત્યારે હું પણ એટલો જ ચિંતિત થઈ જતો હતો. સગાંવહાલાંના ચહેરા ફિક્કા પડી જતાં, માતાઓ રડતી અને ક્યારેક બિલ ભરવાની ના પણ પાડતી. તેઓ ખૂબ નિરાશ થયાં હતાં. તો બીજી તરફ છોકરાનાં જન્મને હર્ષોલ્લાસ અને મિઠાઇથી આવકારવામાં આવતો હતો. ત્યારે જ મેં નક્કી કર્યું કે જો અમારી હોસ્પિટલમાં કોઈ છોકરીનો જન્મ થશે તો હું તેની ફી માફ કરી દઈશ. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે “હું લોકો અને ડોકટરોનો દ્રષ્ટિકોણ બદલવા માંગું છું. જે દિવસે લોકો દીકરીના જન્મની ઉજવણી કરવાનું શરૂ કરશે, તે દિવસથી હું ફરીથી મારી ફી લેવાનું શરૂ કરી દઈશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *