
આ વખતે દિવાળીના અવસર પર બોક્સ ઑફિસ પર કોઈ ચમક નહીં આવે. સામાન્ય રીતે દિવાળીના તહેવારોની સીઝનમાં મોટા બજેટની ફિલ્મો રિલીઝ થવાની પરંપરા હોય છે, પરંતુ આ વર્ષે એવું નહીં થાય. નિર્માતાઓ અને ઇન્ડસ્ટ્રીના જાણકારોનું કહેવું છે કે મોટી ફિલ્મો રિલીઝના અભાવે હવે નાના બજેટ ફિલ્મો પર અપેક્ષાઓ ટકેલી છે. જ્યારે આ ફિલ્મો હજુ દર્શકોમાં મજબૂત પકડ બનાવી શકી નથી. આનાથી ઉદ્યોગની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે, જે પહેલેથી જ તાજેતરની મોટી ફિલ્મો ફિલ્મો ’વોર 2’ અને ’કૂલી’ ના નિરાશાજનક પ્રદર્શનથી પીડાઈ રહી છે. દિવાળી અને ક્રિસમસ સામાન્ય રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સૌથી મહત્વપૂર્ણ સમય માનવામાં આવે છે. ફેસ્ટિવલ દરમિયાન દર્શકો પરિવાર સાથે થિયેટરોમાં ઉમટી પડે છે. “આ વખતે પરિસ્થિતિ જુદી છે. દિવાળીના સપ્તાહમાં કોઈ મોટી ફિલ્મ રિલીઝ નથી થઈ રહી. હોરર ફિલ્મ થામ્બા સિવાય કોઈ મોટી ફિલ્મ નથી. બોક્સ ઓફિસના આંકડા દર્શાવે છે કે કુલીએ અત્યાર સુધીમાં 262.2 કરોડ અને વોર 2એ 225.8 કરોડની કમાણી કરી છે, જ્યારે બંને ફિલ્મો 350-450 કરોડના જંગી બજેટમાં બની હતી. દિવાળીનું અઠવાડિયું હંમેશાં બોક્સ ઓફિસ પર કમાણીનો સૌથી મહત્વપૂર્ણ સમયગાળો રહ્યો છે. ઐતિહાસિક રીતે, દિવાળીની રિલીઝ હિન્દી ફિલ્મોની વાર્ષિક કમાણીમાં લગભગ 10 થી 25 ટકા ફાળો આપતી રહી છે. ગત વર્ષે સિંઘમ અગેન અને ભૂલ ભુલૈયા 3એ મળીને 653 કરોડની કમાણી કરી હતી, જે કુલ હિન્દી બોક્સ ઓફિસ કમાણીના લગભગ 14 ટકા જેટલી હતી.
તૈયારીઓનો અભાવ :- આ વખતે તૈયારીનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. “ગયા વર્ષે દિવાળી પર રિલીઝ થયેલી ફિલ્મો સિંઘમ અગેઇ અને ભૂલ ભુલૈયા 3નું આયોજન બે વર્ષ અગાઉથી કરવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષની રિલીઝને લઈને ઇન્ડસ્ટ્રીમાં આ જ દૂરંદેશી બતાવવામાં આવી ન હતી. પરિણામ એ આવ્યું છે કે ફેસ્ટિવલ પર મોટી ફિલ્મોને બદલે હવે મિડિયમ ફિલ્મો પર સટ્ટો લગાવવો પડે છે. આગામી મહિનાઓમાં એક્કીસ, સની સંસ્કારીની તુલસી કુમારી, 120 બહાદુર, રોમિયો અને જોલી એલએલબી 3 જેવી ફિલ્મો થિયેટરોમાં રીલીઝ થશે. નિર્માતા અને ફિલ્મ બિઝનેસ એક્સપર્ટ ગિરીશ જોહર કહે છે, “ભલે આ વખતે દિવાળી પર કોઈ મોટી રિલીઝ ન થઈ હોય, પરંતુ કેટલીક મિડ બજેટ હિન્દી અને રિજનલ ફિલ્મો છે, જે સારી કમાણી કરી શકે છે.હિન્દી અને સાઉથની ફિલ્મોનો સંયુક્ત પ્રદર્શન આ વર્ષનાં ઉત્તરાર્ધને પહેલાં ભાગ જેટલો જ મજબૂત બનાવી શકે છે. આશિકી 3 અને ધ રાજા સાહેબ જેવી ઘણી મોટી ફિલ્મોની રિલીઝ આવતાં વર્ષ એટલે કે 2026 સુધી મુલતવી રાખવામાં આવી છે. ઉદ્યોગનાં જાણકારોના જણાવ્યાં મુજબ, ઉત્પાદન પછીના વિલંબ, રિશૂટ અને ભંડોળના અભાવ જેવાં કારણોસર ઘણી મેગા બજેટ ફિલ્મોની રીલીઝ મુલતવી રાખવામાં આવી છે.