
રેખા ઝુનઝુનવાલા પર ઇન્સાઇડર ટ્રેડિંગનો આરોપ લાગ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઓ મોઇત્રાએ આ આરોપ લગાવ્યો છે. કેમ કે ઓનલાઇન ગેમીંગ બીલ પાસ થવાના 2 મહિના પહેલા જ ગેમિંગ કંપની નઝારામાં પોતાની સમગ્ર હિસ્સેદારી વેચી દીધી હતી. સોશિયલ મીડિયા પર લોકો અનેક સવાલ ઉઠાવી રહ્યા છે કે શું રેખા ઝુનઝુનવાલાને પહેલેથી જ જાણકારી મળી હતી કે ગેમિંગ બીલ પાસ થવાનું છે? રેખા ઝુનઝુનવાલા દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના પત્ની છે. રાકેશ ઝુનઝુનવાલાનું ઓગસ્ટ 2022માં અવસાન થયું હતું. તેમણે આઇપીઓ પહેલા જ 2017માં નઝારામાં 180 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેનો આઇપીઓ 2021માં આવ્યો હતો. માર્ચ 2025 સુધીમાં, રેખા ઝુનઝુનવાલાની પાસે નઝારાના 61.8 લાખ શેર હતા. એટલે કે, તેમનો કુલ હિસ્સો 7.06% હતો. 13 જૂન સુધીમાં, તેમણે તેમનો આખો હિસ્સો વેચી દીધો હતો. તેમણે પોતાનો હિસ્સો સરેરાશ રૂ. 1225ની કિંમતે વેચી દીધો છે. એટલે કે, તેમણે આખો હિસ્સો લગભગ રૂ. 700 કરોડમાં વેચી દીધો છે. નઝારા ટેક્નોલોજીસ એક ઓનલાઈન ગેમિંગ અને ઈ-સ્પોર્ટ્સ કંપની છે. કંપની કહે છે કે તે રીઅલ-મની ગેમિંગમાં સીધી રીતે સામેલ નથી, પરંતુ તેની પેટાકંપની મૂનશાઇન ટેક્નોલોજીસમાં તેનો 46.07% હિસ્સો છે.