
ભારતીય ક્રિકેટ ટીમનાં મુખ્ય ટાઇટલ સ્પોન્સર ડ્રીમ-11એ તાજેતરમાં જ બીસીસીઆઇ સાથેનો કરાર અધવચ્ચે જ સમાપ્ત કરી દીધો છે. ઓનલાઇન ગેમિંગ એન્ડ પ્રમોશન રેગ્યુલેશન બિલ 2025 પાસ થયાં બાદ ડ્રીમ-11એ આ નિર્ણય લીધો છે. આ બિલના કારણે ડ્રીમ-11ને ઘણું નુકસાન થયું છે. ખરેખર, આ પહેલીવાર નથી, આ પહેલાં જે કંપનીઓએ ભારતીય ટીમની જર્સીને સ્પોન્સર કરી છે, તે તમામ ડુબી ચૂકી છે. આ સિલસિલો 2002થી ચાલી રહ્યો છે અને આ દરમિયાન ઘણી કંપનીઓએ ટીમની જર્સીને સ્પોન્સર કરી હતી.
2002 થી સ્થિતિ ખરાબ :-
સહારા ગ્રુપ : 2002-2013 :-
સુબ્રતો રોયની કંપની સહારા 2002થી 2013 સુધી ભારતીય ટીમની મુખ્ય સ્પોન્સર રહી હતી. પરંતુ સેબીની રેગ્યુલેટરી એક્શનના કારણે કંપની ડુબતી જતી રહી હતી. 2014માં સુબ્રત રોયને જેલમાં જવું પડ્યું હતું.
હાલની સ્થિતિ : સુબ્રત રોયનું નિધન થયું અને કંપની અનેક કાનૂની વિવાદો અને આર્થિક મુશ્કેલીમાં ફસાયેલી છે.
સ્ટાર ઇન્ડિયા: 2014-2017 :-
સહારાની જગ્યાએ સ્ટાર ઇન્ડિયાનું નામ ટીમ ઇન્ડિયાની જર્સી પર જોવા મળ્યું હતું. કંપનીએ બીસીસીઆઈ પાસેથી બ્રોડકાસ્ટ રાઈટ્સ પણ મેળવ્યાં હતાં અને આ માટે પ્રતિ મેચ કરોડો રૂપિયા ખર્ચ કર્યા હતાં.
હાલની સ્થિતિ : હોટસ્ટારના કારણે કંપનીને અવિશ્વાસની તપાસ અને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું.
ઓપ્પો : 2017-2019 :-
ચીનની કંપની ઓપ્પોએ 1,079 કરોડ રૂપિયા સાથે ભારતીય ટીમની સ્પોન્સરશિપ જીતી લીધી હતી, પરંતુ તેણે રોકાણ પર નબળાં વળતરનું કારણ આપીને ટૂંક સમયમાં જ પીછેહઠ કરી હતી.
હાલની સ્થિતિ : પેટન્ટ સંબંધિત કેસોમાં કંપનીને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો.
બાયજુસ : 2019-2023 :-
એજ્યુકેશન ટેક સ્ટાર્ટઅપ હોવા છતાં કંપનીએ ટીમ ઇન્ડિયાની સ્પોન્સરશિપ જોરશોરથી લીધી હતી, પરંતુ ત્યારથી તેનાં ખરાબ દિવસો શરૂ થઇ ગયાં છે. બાયજુસ બીસીસીઆઇને 158 કરોડ રુપિયા પણ ચૂકવી શક્યો નહતો.
હાલની સ્થિતિ : કંપનીની વેલ્યૂ એક સમયે 22 અબજ ડોલર હતી, જે હવે 2-3 અબજ ડોલરની વચ્ચે છે.
ડ્રીમ-11: 2023-2025 :-
દેશનાં સૌથી મોટા ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ડ્રીમ 11ને 358 કરોડમાં સ્પોન્સરશિપ મળી હતી, પરંતુ તાજેતરનાં ઓનલાઇન ગેમિંગ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન બિલે કંપનીને હચમચાવી દીધી હતી. તેને કારણે કંપનીએ અધવચ્ચે જ સ્પોન્સરશિપ સમાપ્ત કરી છે.
હાલની સ્થિતિ : ડ્રીમ-11ને તમામ પેઇડ કોન્ટેસ્ટ બંધ કરવા પડયાં હતાં અને હાલ કંપની નાણાકીય કટોકટી તરફ આગળ વધી રહી છે.
હવે પછી સ્પોન્સર કોણ બનશે ? :-
બીસીસીઆઇ હવે ભારતીય ટીમ માટે નવા સ્પોન્સરની શોધમાં છે. ખરેખર, ભારતીય ટીમને 9 સપ્ટેમ્બરથી યુએઈમાં એશિયા કપ રમવાનું છે. બોર્ડ આ પહેલાં ટીમની જર્સી માટે સ્પોન્સર ઈચ્છે છે.