
થોડા સમય પહેલાં ક્રિકેટના વિવિધ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેનાર આર. અશ્વિને આઈપીએલમાંથી પણ સંન્યાસ લઈ લીધો છે. તેમણે જાહેરાત કરતાં એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું, આજે મારી આઈપીએલ કારકિર્દી પણ સમાપ્ત થઈ રહી છે.
16 વર્ષની આઈપીએલ કારકિર્દીમાં અશ્વિને કુલ 221 મેચ રમીને 187 વિકેટ લીધી હતી. 5 ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું. નોંધનીય છે કે તેઓ ડિસેમ્બર, 2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે. આર. અશ્વિને 2009માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પોતાની આઈપીએલ ડેબ્યૂ કરી હતી. ત્યારબાદ તેઓ રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને પછી રાજસ્થાન રોયલ્સ માટે રમ્યા. તેઓ છેલ્લી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સમાં પાછા ફર્યા હતા, જેમાં રમ્યા બાદ તેમણે આજે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.
આઈપીએલમાંથી નિવૃત્તિની જાહેરાત કરતાં અશ્વિને સોશિયલ મીડિયા પર લખ્યું, ખાસ દિવસ અને એક ખાસ શરૂઆત. કહેવાય છે કે દરેક અંત એ નવી શરૂઆત છે, એક આઈપીએલ ક્રિકેટર તરીકે મારો સમય આજે સમાપ્ત થઈ રહ્યો છે, પરંતુ વિવિધ લીગમાં રમતના એક ખેલાડી તરીકે મારો સમય આજથી શરૂ થઈ રહ્યો છે. અશ્વિને તેમની પોસ્ટમાં તેમની તમામ લીગનો પણ આભાર માન્યો, જેના માટે તેઓ આઈપીએલમાં રમ્યા. તેમણે લખ્યું, આટલાં વર્ષોની શાનદાર યાદો અને સંબંધો માટે તમામ ફ્રેન્ચાઈઝીનો આભાર માનવા માંગુ છું. અને જે મને BCCI અને IPL એ અત્યાર સુધી આપ્યું છે તેના માટે તેમનો પણ ખૂબ ખૂબ આભાર. આગળ જે પણ છે તેનો આનંદ લેવા અને તેનો પૂરો લાભ લેવા માટે ઉત્સુક છું.