
ઓગસ્ટ 2025ના અંતમાં કેટલીક હોસ્પિટલો દ્વારા કેશલેસ સેવાઓ સ્થગિત કરવાના અહેવાલો વચ્ચે, આઈઆરડીએઆઈ એ આ વિવાદ પર નજર રાખવા અને તેનાં નિરાકરણ માટે આગળ આવી છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, ઇરડાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે નિયમનકારની હાલની સૂચનાઓ નેટવર્ક હોસ્પિટલોને કેશલેસ સેવાનો ઇનકાર કરવા પર પ્રતિબંધ મૂકે છે. વીમા કંપનીઓને નિયમોનું પાલન ન કરતી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવા દબાણ કરવું જોઈએ.
સૂત્રોનાં જણાવ્યાં અનુસાર આઇઆરડીએ દ્વારા હોસ્પિટલ-વીમા કંપની વચ્ચે કેશલેસ સસ્પેન્શન મુદ્દે દેખરેખ રાખવામાં આવી રહી છે તે વચ્ચે વીમા કંપનીઓ અને હોસ્પિટલો વચ્ચેનાં વિવાદને ઉકેલવાના પ્રયાસો તેજ બન્યાં હતાં. બીજી તરફ, બજાજ એલિઆન્ઝના સીઈઓ તપન સિંઘલે કેશલેસ સારવાર વિવાદ પર એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, “અમને હજી સુધી કેશલેસ દાવાને નકારી કાઢવાનો એક પણ કેસ મળ્યો નથી. અમે હંમેશાં આપણાં દેશનાં નાગરિકોનાં શ્રેષ્ઠ હિતમાં ઉભાં રહીએ છીએ અને ખાતરી કરીશું કે અમારાં ગ્રાહકો હોસ્પિટલમાં ચુકવણી કરે તે પહેલાં તેમના ખાતામાં પૈસા મળે.
શું છે વિવાદ?
15,000 થી વધુ ભારતીય હોસ્પિટલોએ કહ્યું છે કે તેઓ ચુકવણીમાં વિલંબ અને અપૂરતાં વળતરને કારણે 1 સપ્ટેમ્બર, 2025 થી બજાજ એલિયાન્ઝ જનરલ ઇન્સ્યુરન્સ પોલિસીધારકો માટે કેશલેસ સારવાર બંધ કરશે. એટલું જ નહીં હોસ્પિટલોએ અન્ય વીમા કંપનીઓને પણ કેશલેસ સારવાર સ્થગિત કરવા જણાવ્યું છે. કેર હેલ્થને પણ આવી જ નોટિસ આપવામાં આવી હતી. આ નિર્ણયને કારણે, દર્દીઓએ પહેલાં ચૂકવણી કરવી પડશે અને પછીથી વળતર મેળવવું પડશે.
શા માટે ઊભો થયો વિવાદઃ
એસોસિયેશન ઓફ હેલ્થકેર પ્રોવાઇડર્સ ઓફ ઇન્ડિયા (એએચપીઆઇ), જે આ હોસ્પિટલોનું પ્રતિનિધિત્વ કરે છે, કહે છે કે વળતરના દરો, ચુકવણીમાં વિલંબ અને દાવાની પતાવટ પ્રથાઓ અંગે વીમા કંપની સાથે લાંબા સમયથી ચાલી રહેલાં વિવાદો પછી આ પગલું લેવામાં આવ્યું છે.
એએચપીઆઈના જણાવ્યાં અનુસાર, બજાજ એલિયાન્ઝ દ્વારા ઓફર કરવામાં આવેલાં વળતર દરો વર્ષોથી અપડેટ કરવામાં આવ્યાં નથી. હોસ્પિટલો એવો પણ આક્ષેપ કરે છે કે વીમા કંપનીઓ એકપક્ષીય કપાતો લે છે અને ઘણીવાર દાવાઓની પતાવટમાં વિલંબ કરે છે, જેનાં કારણે આરોગ્યસંભાળ સેવા પ્રદાતાઓ પર નાણાકીય દબાણ આવે છે.
શું છે નિયમ?
વીમા કંપનીઓનો ટર્નઅરાઉન્ડ સમય સખત હોય છે, જેમાં સામાન્ય રીતે એક કલાકની અંદર અધિકૃતતા અને ડિસ્ચાર્જના ત્રણ કલાકની અંદર પતાવટની જરૂર પડે છે. જ કોઈ હોસ્પિટલ કેશલેસ સુવિધા આપવાનો ઇનકાર કરે છે, તો તેણે વીમા કંપનીની ફરિયાદ નિવારણ પદ્ધતિ દ્વારા આગળ વધવું જોઈએ. હોસ્પિટલો કેશલેસ સેવાઓ પ્રદાન કરવા માટે વીમા કંપનીઓ સાથેનાં કરાર દ્વારા બંધાયેલી છે. –